ગુજરાતના આ ગામમાં એકનો એક દીકરો થયો શહીદ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું, આખા ગામમાં છવાયો માતમ
છોટાઉદેપુર જિલ્લાના અલ્હાદપુરા ગામના આર્મી જવાનનું જમ્મુ-કાશ્મીરમાં અકસ્માતમાં અવસાન થવાની જાણ થતાં અલ્હાદપુરા સહિત છોટાઉદેપુર જિલ્લામાં શોકની લાગણી ફેલાઇ હતી. નિવૃતીના કાગળો પણ તૈયાર થવા આવ્યા હતા. ગત સપ્તાહે જ દોઢ મહિનાની રજા બાદ ફરજમાં જોડાવા પરત ગયા હતા.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રામપુરા ગામના આર્મી જવાન બારીયા તુલસીભાઈ રયજીભાઈ આર્મીમાં 2001માં જોડાયા હતા. રયજીભાઈનો આ એકનો એક પુત્ર આર્મીમાં જોડાયો ત્યારે આખા ગામનો આ પહેલો યુવક હતો જે આર્મીમાં જોડાયો હોય.
અલ્હાદપુરા ગામમાં રવિવારે સવારે જ્યારે આર્મી જવાન તુલસીભાઈ શહીદ થયાના સમાચાર આવ્યા ત્યારે ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. તેમના સાળા સંજયભાઇના જણાવ્યાનુસાર હજી ગયા સપ્તાહે તુલસીભાઈ દોઢ મહિનાની રજા ભોગવીને ગયા હતા. નિવૃત્તિ નજીક હોઈ કાગળો પણ તૈયાર થવા આવ્યા હતા. અકસ્માતમાં તેમને ઇજા થઇ હોવાની જાણ થતા તુલસીભાઈની પત્ની અને ભાઈ શ્રીનગર જવા રવાના થઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હોવાની સવારે ખબર આવી છે.એમને બે બાળકો છે.
શહીદ જવાન તુલસીભાઈના મિત્ર સંજયભાઈએ જણાવ્યા મુજબ તુલસીભાઈ ખૂબ જ મિલનસાર વ્યક્તિ હતા. જ્યારે જ્યારે આવે અને ગામમાં નીકળે એટલે બધા સાથે પ્રેમથી બોલી જ્યાં જે મળે એમની સાથે કલાક સુધી વાતો કરતા. આજે તેઓ શહીદ થયાની જાણ થતા આખાય ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.સૌ કોઈ દુ:ખી છે.