અનુષ્કા શર્માનો પડછાયો બનીને રહે છે સોનુ, મહિને મળે છે લાખો રૂપિયાનો પગાર

અનુષ્કા શર્માનો પડછાયો બનીને રહે છે સોનુ, મહિને મળે છે લાખો રૂપિયાનો પગાર

બૉડીગાર્ડનું નામ સાંભળીએ એટલે તરત જ આપણને સલમાન ખાનનો પર્સનલ બૉડીગાર્ડ શેરાની યાદ આવે છે. જોકે, સલમાન જ નહીં, બોલિવૂડમાં ઘણાં સેલેબ્સ છે, જે પોતાના માટે પર્સનલ બૉડીગાર્ડ રાખે છે. અનુષ્કા શર્મા પણ તેમાંથી એક છે. અનુષ્કાનો બૉડીગાર્ડ શેરા જેટલો લોકપ્રિય નથી, પરંતુ તેનો ઠાઠ શેરા કરતાં સહેજ પણ ઊતરતો નથી. સોનુનો પગાર પણ કરોડોમાં છે. તે પડછાયાની જેમ સતત અનુષ્કાની સાથે રહે છે.

અનુષ્કાએ લગ્ન કર્યા તે પહેલેથી બૉડીગાર્ડ રાખ્યો છે
અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા તે પહેલેથી જ બૉડીગાર્ડ સોનુ રાખ્યો છે. સોનુનું પૂરું નામ પ્રકાશ સિંહ છે. જોકે, અનુષ્કા તેને પ્રેમથી સોનુ કહીને બોલાવે છે. અનુષ્કા ઘરની બહાર નીકળે એટલે સોનુ તેની સાથે જોવા મળે છે.

લગ્ન બાદ અનુષ્કા-વિરાટ બંનેનું ધ્યાન રાખે છે
અનુષ્કાના લગ્ન બાદ સોનુ એક્ટ્રેસ તથા વિરાટ કોહલી એમ બંનેની સુરક્ષા કરે છે. સોનુ બંનેની સિક્યોરિટી અંગે ઘણો જ સજાગ રહે છે. સામાન્ય રીતે સોનુ ગ્રે અથવા બ્લેક રંગના શર્ટમાં હોય છે.

સોનુનો બર્થ ડે સેલિબ્રેટ કરે છે
અનુષ્કા શર્મા પોતાના બૉડીગાર્ડ સોનુને પરિવારનો જ હિસ્સો ગણે છે. આ જ કારણે અનુષ્કા દર વર્ષે સોનુનો જન્મદિવસ સેલિબ્રેટ કરે છે. 2018માં અનુષ્કા જ્યારે ફિલ્મ ‘ઝીરો’નું શૂટિંગ કરતી હતી ત્યારે તેણે સેટ પર સોનુનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

અનુષ્કા પ્રેગ્નન્ટ હતી ત્યારે સોનુ PPE કીટમાં જોવા મળતો
અનુષ્કા શર્મા ગયા વર્ષે જ્યારે પ્રેગ્નન્ટ હતી અને સેટ પર જતી હતી ત્યારે સોનુ PPE કિટમાં જોવા મળતો હતો. આટલું જ નહીં ડિલિવરી બાદ જ્યારે અનુષ્કા પતિ વિરાટ સાથે ક્લિનિક પર જતી ત્યારે પણ સોનુ જોવા મળ્યો હતો.

દર મહિને મળે છે આટલો પગાર
સોનુને દર મહિને 10 લાખ રૂપિયાનો પગાર મળે છે એટલે કે વર્ષે તેની સેલરી 1.2 કરોડ રૂપિયા છે.

હાલમાં લંડનમાં છે અનુષ્કા શર્મા
હાલમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા તથા પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે. સૂત્રોના મતે, કોરોનાને કારણે અનુષ્કાએ વર્ષ 2022 સુધી એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. અનુષ્કા હાલમાં દીકરીનું ધ્યાન રાખવા માગે છે. અનુષ્કા પોતાના પ્રોડક્શન હાઉસનું કામ કરી રહી છે. અનુષ્કા ‘પાતાલ લોક 2’ તથા ‘કાલા’ સહિતના શો બનાવવાની છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા છેલ્લે 2018માં ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.