ફેસબૂક પર અમેરીકન લાડીનું ગુજરાતી યુવકનુ આવ્યું દીલ, આ રીતે ગીરમાં કર્યા લગ્ન

ફેસબૂક પર અમેરીકન લાડીનું ગુજરાતી યુવકનુ આવ્યું દીલ, આ રીતે ગીરમાં કર્યા લગ્ન

વર્તમાન સમયમાં સોશિયલ મિડીયા થકી સારા કામોના બદલે ફ્રોડ, છેતરપીંડીની કીસ્‍સા ભારતમાં વઘતા જોવા મળી રહ્યા હોવાથી અનેક સવાલો ઉભા થયા છે. એવા સમયે ફેસબુક થકી એકબીજાના પરીચયમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરીકા સ્‍થિત યુવતી સાથે ફ્રેન્‍ડશીપ થયા પછી વર્ચ્‍યુઅલી વાતચીતોમાં બંને વચ્‍ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં દાંપત્‍ય જીવનમાં પરીણમી છે. અમેરીકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્‍દુ વિધિ-રિવાજ મુજબ લગ્‍ન કરવા તાજેતરમાં અહિં આવી હરખભેર હાથમાં મહેંદી રચી લગ્‍ન પણ કર્યા છે.

કહેવાય છે કે વિધિના લેખ કોઇ બદલી શકતું નથી, તેમ ભગવાને ભાગ્‍યમાં લખેલો જીવનસાથી સાત સમંદર પાર હોય તો પણ કોઇને કોઇ રીતે તેનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરીણામી દાંપત્‍ય જીવન સુધી પહોંચ્‍યાનો કિસ્‍સો ગીર પંથકમાંથી સામે આવ્‍યો છે. તાલાલા ગીરમાં રહેતા યુવક બલદેવ ભેટારીયા આહિરે ફેસબુક સાઇટ થકી અમેરિકા સ્‍થ‍િત યુવતી સાથે તાજેતરમાં લગ્‍ન કર્યા છે.

પોતાની કહાની જણાવતાં બલદેવ આહિરે જણાવ્યું હતું કે તેમણે બીએસસી અને બાદમાં લંડન જઇને એમબીએનો અભ્‍યાસ કર્યો છે. 2014માં લંડનથી પરત સ્‍વદેશ આવ્‍યા બાદ તેઓ અહિં જોબ કન્સલ્ટન્‍સીનો વ્‍યવસાય કરે છે. તેમણે 2019ની સાલમાં ફેસબુક સાઇટ પર સર્ચ દરમિયાન અમેરિકા સ્‍થ‍િત એલીઝાબેથ નામની યુવતિને ફ્રેન્‍ડ રીક્વેસ્‍ટ મોકલી હતી. જે ઘણા દિવસો બાદ રીકવેસ્‍ટ એકસેપ્‍ટ થતાં તેમણે મેસેન્‍જરમાં મેસેજ કર્યો હતો, જેનો રીપ્‍લાય આવતા તેઓ વચ્‍ચે સામાન્‍ય વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમિયાન એક વખત બલદેવે યુવતી પાસે તેનો વોટ્સએપ નંબર માંગતા તેઓ બંનેએ એકબીજાને નંબર આપ્‍યા હતા.

ત્‍યારબાદ ઘણા દિવસો પછી એલિઝાબેથનો સામેથી અચાનક વોટસઅપમાં વીડિયો કોલ આવ્‍યો હતો. ત્‍યારપછી છએક માસના સમયગાળા દરમિયાન તે બંને વચ્‍ચે તેમના અભ્‍યાસ અને પરીવાર તથા તેના સંબંધી વાતચીતો થઇ હતી. આ વાતચીત દરમિયાન તેઓ બંનેને એકબીજા ઉપર લાગણી બંધાઇ હતી. જેમાં બલદેવે સામેથી તેને તેમની અંદર તેના માટે રહેલી પ્રેમની લાગણી વ્‍યક્ત કરી હતી. ત્‍યારે તેણીએ બલદેવની રહેણી-કહેણી, કલ્‍ચર સહિતની બાબતો જાણવા અને વિચારવા માટે થોડો સમય માંગ્‍યો હતો. ત્‍યારબાદ થોડા સમય વિતી ગયા બાદ તેણીએ તેની બલદેવ પ્રત્‍યેની લાગણી વ્‍યક્ત કરી હતી.

બલદેવે વધુમાં જણાવ્યું હતું કે બાદમાં તેઓ બંનેએ પોત પોતાના પરીવારજનોને વાત કરી હતી. ત્‍યારબાદ એક વખત એલીઝાબેથએ તેના ભાઇ અને બહેન સાથે બલદેવની વાત કરાવી હતી જે સકારાત્‍મક રહી હોવાથી તેણીના પરીવારજનો પ્રભાવિત થયા હતા. બાદમાં એલિઝાબેથે તેમની સાથે લગ્‍ન કરવાનું નક્કી કરી અત્રે ભારત આવવાની વાત કરી હતી. જેને તેમણે સ્‍વીકારતાં પ્રથમ નિયમ મુજબ તેઓ બંનેએ સિવીલ મેરેજ કર્યા હતા. બાદમાં એલિઝાબેથે ત્યાં આવી હિન્‍દુ વિધિ મુજબ લગ્‍ન કરવાની આગ્રહભરી વિનંતી કરી હતી. જેને પણ સહજતાથી સ્‍વીકારી તેમણે ગીર ખાતે થોડા સમય પૂર્વે તેઓ બંનેએ હિન્‍દુ સંસ્‍કૃતિ મુજબ વિધિ-વિધાનથી લગ્‍ન કર્યા હતા.

વધુમાં યુવક બલદેવ આહિરે જણાવ્યું હતું કે, તેઓ બંનેએ પોતાની પ્રેમની લાગણી વ્‍યક્ત કરી હતી. ત્‍યારબાદ તેમણે માતા તથા બહેનને તેમની પ્રેમ કહાનીની સંપૂર્ણ વાત કરી હતી. જેથી તેમના પરીવારજનોએ એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્‍યારે તેમણે પ્રભાવિત થઇ લગ્‍ન કરવાની સહમતિ આપી હતી. જે તેમની મિત્રતા પ્રેમ સુધી પહોંચી અને ત્‍યાંથી દાંપત્‍ય જીવન સુઘી પહોંચવામાં ટર્નિંગ પોઇન્‍ટ સાબિત થઇ હતી.

એલિઝાબેથમાં પરીવાર ભાવનાની લાગણી અપરંપાર : બહેન
આ અંગે યુવકના બહેન નિર્મળાબેને જણાવ્યું હતું કે, બલદેવે અમને જ્યારે વાત કરેલી ત્‍યારે અમે એક જ વાત કહેલી કે તારી ખુશીમાં અમારી ખુશી છે. જ્યારે અમે એલીઝાબેથ સાથે વાતચીત કરી ત્‍યારે તેણીએ પ્રથમ પ્રશ્ન કરેલો કે હું તારી સાથે લગ્‍ન કરી તને અમેરિકા લઇ જાઉ તો તારી માતાનું શું? જે સવાલે તેણીમાં રહેલી અખૂટ લાગણીઓનો પરીચય કરાવતા અમે લગ્‍ન માટે સહમતિ આપી હતી. એલિઝાબેથમાં પરીવાર ભાવનાની લાગણી અપરંપાર છે, જેની અમને અનુભુતિ થઇ રહી છે.

આમ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાની સાઇટો ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. એવા સમયે ગીર પંથકના યુવાનની ફેસબુક સાઇટના માધ્યમથી શરૂ થયેલી મિત્રતા પ્રેમમાં અને ત્‍યાંથી આગળ વઘીને દાંપત્‍ય જીવન સુધી પહોંચી છે.