નવદંપતીની કાર કેનાલમાં ખાબકતા મોતને ભેટ્યા, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન, જોનારા ચીસો પાડી ગયા

નવદંપતીની કાર કેનાલમાં ખાબકતા મોતને ભેટ્યા, 10 મહિના પહેલાં થયા હતા લગ્ન, જોનારા ચીસો પાડી ગયા

મોરબીઃ હળવદના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતિની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા નવદંપતિનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. દંપતિ ગાડીના કાચ તોડીને બોનેટ પર પણ ચઢી ગયું હતું, દુર્ભાગ્યવશ બચી ન શક્યા, માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે.

નોંધનીય છે કે કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇ બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતું અને આ નવ દંપતિએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.

સૂત્રો અનુસાર હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉંમર વર્ષ 22) અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે શનિવારે સવારે અજીતગઢ ગામેથી કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. ત્યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો કેનાલમાં શોધખોળ કરી હતી. જેમાં મિત્તલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં કલ્પાંત છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક માસ પહેલા જ થયા હતા અને સપરમાં દિવસો શરૂ થતાં સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જણા ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇને બોનેટ પર પણ ચઢી ગયા હતા. ઉપરાંત એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતુ અને આ નવ દંપતિએ દોરડું પકડી પણ લીધુ હતુ. પણ દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા. બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.સગાઈમાં જતા હતાને અચાનક કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી, બચવા માટે દોરડું પકડ્યું છતાં ન બચાવી શકયા જીવ, આહિર સમાજમાં શોકનું મોજું