સુપ્રીમના આદેશ બાદ અમદાવાદની સેક્સવર્કર્સ ખુશખુશાલ, કહ્યું- હવે પકડાઈ જવાની બીક નહીં લાગે, ગ્રાહકો ન કરવાનું કરવા કહે છે

સુપ્રીમના આદેશ બાદ અમદાવાદની સેક્સવર્કર્સ ખુશખુશાલ, કહ્યું- હવે પકડાઈ જવાની બીક નહીં લાગે, ગ્રાહકો ન કરવાનું કરવા કહે છે

સુપ્રીમ કોર્ટે દેહવ્યાપાર અંગે ઐતિહાસિક આદેશ આપ્યો છે. સુપ્રીમની ત્રણ જજીસની બેંચે બે દિવસ પહેલાં આદેશ આપ્યો હતો કે સહમતીથી યૌન સંબંધ બાંધનાર સેક્સવર્ક્સ સામે કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તેમજ તેમની સાથે ઈજ્જતથી વર્તન કરવામાં આવે. સુપ્રીમના આદેશ બાદ દેશભરમાં સેક્સવર્કર્સમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. અમદાવાદમાં દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓની મુલાકાત લઈને તેમની વ્યથા સાંભળી હતી.

અમને આઝાદી મળી, હવે પકડાઈ જવાની બીક નહીં લાગે
અમદાવાદ એસજી હાઈવે પર ગોતા નજીક તડકામાં ઊભાં રહીને ગ્રાહકની રાહ જોતી મંજુ (નામ બદલ્યું છે) નામની કોલગર્લ સાથે વાત કરી હતી. મૂળ ઓડિશાની મંજુએ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કહ્યું, ‘હું ખુશ છું કે સરકારે અમારી માટે કંઈક કર્યું, સપોર્ટ આપ્યો, અમને આઝાદી આપી. પહેલાં ક્યારેક પકડાઈએ કે પોલીસ કેસ થાય તો બીક રહેતી હતી કે ક્યાંક પરિવારને આની જાણ ન થઈ જાય, પણ હવે કેસ જ નહીં થાય, એટલે કોઈને ખબર નહીં પડે.‘

પોતાની સ્થિતિ વિશે આગળ વાત કરતાં મંજુ કહે છે, લગ્ન બાદ ઘરની સ્થિતિ સારી નહોતી અને પતિ પણ બીમાર રહેતો હતો. દરમિયાન પતિએ ઝઘડો કરીને કાઢી મૂકતાં બાળકો સાથે રઝળી પડી. પહેલા કામ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ મળ્યું નહીં. પછી એક મિત્રને વાત કરી તો તેણે આ વ્યવસાય અંગે કહ્યું કે કામ કરવું હોય તો આ જ છે, બીજું કંઈ નથી. પછી મન મક્કમ કરીને જાતે જ આ લાઇનમાં આવી ગઈ. પરિવારને આ અંગે ખબર નથી. ઝાડું-વાસણનું કામ કરત તો ત્યાં પણ છેડતી તો થાય જ છે. મજૂરી કરવા જઈએ તો શેઠિયા નજર બગાડે છે. આવી રીતે રિબાઈ રિબાઈને જીવવા કરતાં તો ખુલ્લું જીવવું સારું છે, એટલે પાંચ વર્ષથી આ જ ધંધામાં છું. હજી સુધી પોલીસનો કોઈ ખરાબ અનુભવ નથી થયો, પરંતુ ગ્રાહકો ઘણીવાર મારામારી કે ઝઘડા કરે છે. લુખ્ખા કે દારૂડિયા આવીને ન કરવાનું કરવા કહે છે, ના પાડીએ તો ક્યારેક પિસ્તોલ પણ બતાવે ને ક્યારેક ચાકુ પણ બતાવે છે. (તમામ કોલગર્લના નામ કાલ્પનિક છે)

ચુકાદાથી ખુશ છું, કોઈને પોતાની મરજીથી આ કામ કરવું નથી હોતું
મૂળ કોલકાતાની મીનાક્ષી 15-17 વર્ષથી અમદાવાદમાં રહે છે અને દેહવ્યાપાર સાથે જોડાયેલી છે. તે કહે છે, ‘આ ચુકાદાથી હું બહુ જ ખુશ છું. જજ સાહેબે ઘણો જ સારો ચુકાદો આપ્યો છે. કોઈને પોતાની મરજીથી આ કામ કરવું નથી હોતું, પરંતુ મજબૂરીને કારણે જ આ વ્યવસાયમાં આવતા હોય છે.‘ મીનાક્ષી પોતાના વિશે આગળ વાત વાત કરે છે કે તે પશ્ચિમ બંગાળના એક ગામડામાં રહેતી હતી. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે એક વ્યક્તિ સારું કામ અપાવશે એમ કહીને અમદાવાદ લઈ આવ્યો હતો. અહી આવ્યા બાદ શું કરવાનું છે એ ખબર પડતાં જ ના પડી તો સૌથી પહેલા તેણે જ તેની સાથે જબરદસ્તી કરી. પછી તે આ ધંધામાં ધકેલાઇ ગઈ.

સરકાર હવે અમને આઇકાર્ડ બનાવીને આપે
અન્ય એક કોલગર્લ મૃદુલાએ પણ ચુકાદા અંગે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેનું કહેવું છે, ‘સરકાર અમારા માટે ઘણું સારું કામ કરી રહી છે. હવે તે અમને આઇકાર્ડ બનાવીને આપે તો ઘણી જગ્યાએ અમારી માટે સરળતા થઈ જાય.‘ મૃદુલાની કહાની પણ અન્ય જેવી જ છે. તેણે પણ ઘરની સ્થિતિ ખરાબ થતાં અમદાવાદની વાટ પકડી હતી, પરંતુ જેના પર ભરોસો કર્યો એ જ વ્યક્તિએ તેને આ કામમાં ધકેલી દીધી. શું તમને કોઈને વેચવામાં આવ્યાં હતાં? એ સવાલના જવાબમાં તે કહે છે, ના, એવું નથી. તે આ કામ કરાવી એમાંથી રૂપિયા લઈ લેતો, પરંતુ પછી તે હોશિયાર બની જતાં એને છોડીને પોતાની રીતે જ કામ ચાલુ કરી દીધું હતું. (તમામ સેક્સવર્કર્સના નામ બદલાવેલાં છે)

અમદાવાદમાં 23 વર્ષથી કાર્યરત સખી જ્યોત સંગઠન સંસ્થાના પ્રોજેકટ મેનેજર અને બહેનોના આર્થિક અને સામાજિક પ્રશ્નો માટે કાર્યરત પારસબેને કહ્યું, ‘આ સારા સમાચાર છે. ચુકાદાની જાણ થતાં જ અમે સેલિબ્રેશન કર્યું હતું. ઘણીબધી બહેનોને પોલીસના પ્રોબ્લેમ રહેતા હોય છે. હવે એમાંથી છુટકારો મળ્યો. કેટલાય લેભાગુ પત્રકારો પણ ડરાવીધમકાવીને બહેનો પાસેથી હપતા લઈ જાય છે. તેમનો પણ ડર નીકળી ગયો. આ વ્યવસાયને પ્રાધાન્ય મળતાં તમામ બહેનો ખુશ થઈ ગઈ છે. અત્યારસુધી જે ખરાબ સ્થિતિ હતી, પોલીસની રેડ પડે અને ગાડી આવે તો બહેનો બધી ભાગતી હતી, જેના કારણે ઘણીવાર બહેનોને વાગતું હતું, એ સ્થિતિ હવે સુધરશે.

આ કાયદાને લઈ બહેનોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ બધો ડર ઓછો થઈ જશે. પોતાની સંમતિથી વ્યવસાય કરતી બહેનો જે પોતાનાં બાળકોનો ઉછેર તથા ઘરનું ગુજરાન સહેલાઇથી ચલાવી શકશે, કારણ કે અગાઉ પોલીસ પકડે તો આજુબાજુના લોકોને પોતે શું કામ કરે છે એ જાણ થાય એનો ડર બહેનોને હતો. આ પ્રશ્નમાંથી તે લોકો હળવા બન્યા છે. અમારી ટીમો આ કાયદા અંગે બધી બહેનોને માહિતી આપી રહી છે. આ કેસના બે પાસા છે. આ કાયદાનું ઉલ્લંઘન ના થવું જોઈએ, જેમ કે જબરદસ્તી કોઈને આ વ્યવસાયમાં લાવવામાં આવે છે એ ના થવું જોઈએ. બીજું, પોતાની રીતે ધંધામાં આવતી હોય, તેમની હેરાનગતિ ના થવી જોઈએ.‘

વ્યક્તિગત સેક્સ કાયદેસર, વેશ્યાલય ગેરકાયદે
આ અંગે દિલ્હીમાં સેક્સવર્કર્સ માટે પિટિશન કરનાર ‘ઓલ ઈન્ડિયા નેટવર્ક ઓફ સેક્સવર્કર્સ’ના નેશનલ કો-ઓર્ડિનેટર અમિતકુમાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું, ‘વ્યક્તિગત રીતે સેક્સ થાય છે એ કાયદેસર છે, પણ ઓર્ગેનાઇઝેશન એમાં આવે એટલે એ ગેરકાયદે છે. આ કેસ 2011થી ચાલે છે. કોવિડ આવ્યો ત્યારે અમે એફિડેવિટ ફાઇલ કરી, જેમાં અમે સેક્સવર્કર્સને એક્સસ્ટ્રા રિલીફ આપવાની વાત કરી અને કોર્ટે રાશન તથા આધાર કાર્ડ વગેરે જેવી સવલતો વર્કર્સ માટે સરળ કરી આપી છે.‘અમદાવાદની કોર્લગર્લે કહ્યું- ગ્રાહકો ઘણીવાર મારામારી કે ઝઘડા કરે છે, ના પાડીએ તો ન કરવાનું કરે