અમદાવાદમાં લગ્ન ન થતા અન્ય સમાજની યુવતી સાથે કર્યા લગ્ન, એકજ મહિનામાં યુવતી કરી ગઈ મોટો કાંડ
અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. યુવકે સમાજમાંથી દુલ્હન ન મળતાં અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા . એક મહિના સુધી બંનેએ પતિ-પત્ની તરીકેનો હક પણ નહોતો ભોગવ્યો. એક વખત પરિણીતાએ મંદિર જવાનું કહીને ઘરમાંથી દાગીના કાઢીને પહેર્યાં હતાં. ત્યારે દાગીના લઈને તે ફરાર થઈ ગઈ હતી. જેથી પતિએ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પાડોશીએ યુવતીને બતાવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે નિર્ણયનગરમાં રહેતા યુવકના લગ્ન નહોતા થતાં, જેથી તેણે પાડોશમાં રહેતાં એક વ્યક્તિને કહ્યું હતું કે, તમે મારી માટે કોઈ પણ સમાજની છોકરી શોધી આપો. ત્યારબાદ પાડોશમાં રહેતાં વ્યક્તિએ એક મહિલાને બતાવી હતી. તેની સાથે નાની સાતેક વર્ષની છોકરી હતી. યુવકે આ છોકરીને લઈને સવાલ કરતાં મહિલાએ કહ્યું હતું કે, તેના છૂટાછેડા થઈ ગયાં છે. જો તમે મારી સાથે લગ્ન કરવા માંગતાં હોય તો હું દીકરીને લઈને તમારા ઘરે આવીશ.
બંને વચ્ચે મોબાઈલથી વાતચીત શરૂ થઈ
યુવકે લગ્નની તૈયારી બતાવતાં જ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી હતી. ત્યાર બાદ યુવતીએ કહ્યું હતું કે, હું લગ્ન કરવા તૈયાર છું અને તમે કહો ત્યારે લગ્ન કરીશું. પરંતુ મારે સોનાની બંગડી, મંગળસૂત્ર તથા ચાંદીની ચાર પાયલ જોઈશે, તે તમારે લાવી આપવાની. યુવકે આ વાત તેના ઘરે કરતાં પરિવારે ગાંધીનગરના એક જ્વેલર્સ પાસેથી દાગીનાની ખરીદી કરી હતી. ત્યારબાદ થોડા દિવસમાં જ બંનેના કોર્ટમાં લગ્ન થયાં હતાં.
તબિયતનું બહાનું ધરીને સંબંધ ન બાંધતી
લગ્ન કરીને આવ્યા બાદ આ યુવતી એક મહિના સુધી યુવકની સાથે રહી હતી, પણ પતિ અને પત્નીના હકો ભોગવ્યા નહોતા. પતિ જ્યારે પણ માંગ કરતો ત્યારે પત્ની કહેતી કે મારી તબિયત સારી નથી, સારી થાય પછી આપણે હક ભોગવીશું. આ વાત પતિએ કોઈને કહી નહોતી. પરંતુ તેણે તેના પાડોશીને કહી હતી. ત્યારે તેમણે કહ્યું હતુંકે, તેને કોઈ મહિલા દ્વારા સમજાવીશું. એક દિવસ પતિએ ફરીથી માગ કરતાં જ પત્નીએ ઝગડો કર્યો હતો.
ફોન કર્યો તો કહ્યું- છૂટાછેડા લઈ લે
એક વખત ઘરના કબાટમાં પડેલા દાગીના પહેરીને પત્ની મંદિર જવાનું કહ્યું હતું. ત્યારે પતિએ સવાલ કર્યો હતો કે, મંદિર જવા માટે દાગીના શું કામ પહેરે છે. ત્યારે પત્નીએ કહ્યું હતું કે, હું મંદિરથી આવીને કાઢી નાંખીશ. પરંતુ મંદિર ગયા પછી એકાદ કલાક સુધી પત્ની પાછી નહીં આવતાં પતિને કંઈક અજૂગતું થયું હોવાનો અનુભવ થયો હતો. તેણે પત્નીને ફોન કર્યો ત્યારે પત્નીએ તેને કહ્યું હતું કે, તું મારી સાથે છૂટાછેડા લઈ લે, હું તારી પાસે ક્યારેય પાછી આવવાની નથી. જેથી પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.