પતિના મોત બાદ ગાંઠિયાની લારી શરૂ કરી ચલાવે છે ઘરનું ગુજરાન, સંતાનોને ખૂબ ભણાવ્યા, મહિલાના રડાવી દેતા સંઘર્ષ માટે એક લાઈક તો બંને છે

મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બનીને કામ કરી રહી છે. જેનું વધુ એક જીવતું જાગતુ ઉદાહરણ તમને જોવા મળશે રાજકોટમાં. પતિના મૃત્યુના 15મા દિવસે જ એક મહિલાએ ઘર ચલાવવા અને સંતાનોના ઉછેર માટે ગાંઠિયાની લારી શરૂ કરી. આજે આ મહિલા સન્માનભેર પરિવારનું પાલનપોષણ કરે છે. આ મહિલાનું નામ છે રીટાબેન મેટવાણીયા. તેમના પતિનું સાત વર્ષ પહેલા નિધન થયું હતું.

જે બાદ ઘરમાં કમાવવા માટે કોઈ નહીં હોવાથી તેમની સામે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ હિંમત હારવાના બદલે રીટાબેને પતિના મૃત્યુના 15માં દિવસે જ એવું કામ શરૂ કર્યું જે સામાન્ય રીતે પુરુષો કરતા હોય છે. સંતાનોના અભ્યાસ ખર્ચ ઉઠાવવા રીટાબેને ગાંઠિયાની લારી શરૂ કરી હતી અને આજે તેઓ પગભર બનવાની સાથે આખા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.

રીટાબેન પોતે ભણેલા હોવાથી તેમને પોતાના જીવનમાં તેનો ખૂબ ફાયદો મળ્યો છે. તેથી તે સૌ કોઈને સાક્ષર બનવાની શિખામણ આપે છે. બીજી તરફ દીકરી રાજવી પોતાની માતાને સમાજમાં ઉચ્ચ સ્થાન આપવા માટે પ્રયત્નશીલ છે. જેથી તે સમાજમાં પોતાનું યોગદાન પણ આપી શકે અને જે આર્થિક ઉપાર્જન થાય તેનાથી તે પોતાની માતાને આ કાળી મજૂરીમાંથી મુક્તિ અપાવી શકે.

રીટાબેન એવી મહિલાઓ માટે ઉત્તમ ઉદાહરણરૂપ છે કે જેઓ નાની નાની મુશ્કેલીઓમાં પણ ડરી જાય છે અને હિંમત હારીને આપઘાત જેવું પગલું ભરી બેસ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ધરમનગરમાં રહેતા રીટાબેનના પતિ પ્રવીણભાઇ પુરણદાસ મેટવાણીયા સાત વર્ષ પહેલા અવસાન પામ્યા. પતિના નિધનના 22 દિવસ બાદ સંતાનોની સ્કૂલ-કોલેજ શરૂ થતી હતી.

સંતાનોની ફી ભરવાનો પ્રશ્ન રીટાબેનની સામે મોં ફાડીને ઉભો રહ્યો. જો કે રીટાબેને પરિવારજનો પાસેથી આર્થિક મદદની અપેક્ષા રાખ્યા વિના જ ગાંઠિયાની રેકડી શરૂ કરી દીધી. રીટાબેન પર સંતાનોના ઉછેરની મોટી જવાબદારી આવી પડી હતી. આજે તેઓ આ જવાબદારી સુપેરે અને હોંશે હોંશે નિભાવી રહ્યા છે.

રીટાબેનને સંતાનમાં બે પુત્રીઓ અને એક પુત્ર છે. ગાંઠિયાની રેકડીમાંથી આવક મેળવી મોટી દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને તેના હાથ પણ પીળા કર્યા. જ્યારે બીજી દીકરી રાજવીએ બીએસસી પૂરું કર્યુ છે અને તે પ્રોફેસર બનવા માગતી હોઈ રીટાબેન તેને પ્રોત્સાહન આપી રહ્યા છે. જ્યારે દીકરો હાલ કોલેજમાં ભણી રહ્યો છે.પતિના મોતના 15 દિવસે શરૂ કરી ગાંઠિયાની લારી, ચલાવે છે ઘરનું ગુજરાન, સંતાનોને ખૂબ ભણાવ્યા, રડાવી દેતો સંઘર્ષ

error: Content is protected !!