કેન્સર ગ્રસ્ત પિતાના મૃત્યુ બાદ દીકરીએ પોતાના વાળ કેન્સર ગ્રસ્ત મહિલાઓ માટે દાન કર્યા
સૌંદર્યએ સ્ત્રીનું આભૂષણ છે. આ આભૂષણોમાં સ્ત્રીઓને પોતાના વાળ બેહદ પસંદ હોય છે. ત્યારે હાલના સમયમાં મહિલાઓ કેન્સર સર્વાઇવર દર્દીઓ માટે વાળ અર્પણ કરવામાં અવ્વલ સાબિત થઈ રહી છે. ત્યારે આજે વિરમગામની અમી શ્રીમાળીએ મહેસાણાના વિસનગર ખાતે આવી હેર ડોનેટ કર્યા હતા.પોતાના પિતાના નિધન બાદ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે પોતાના વાળ દાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડોનેટ કરાયેલા વાળથી કેન્સર પીડિત મહિલાની વિગ બનાવવા ઉપયોગમાં લેવામાં આવનાર છે.
મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આજે અમી શ્રીમાળી નામની યુવતીએ કેન્સર પીડિત દર્દીઓ માટે પોતાના વાળ દાન કરાવ્યા હતા. પિતા 8 વર્ષથી કેન્સર પીડિત દર્દી હતા, આ યુવતી પિતા સાથે રહેતી હતી એ દરમિયાન હોસ્પિટલમાં કેન્સર પીડિત મહિલાઓ પણ એડમિટ હતી. જ્યાં મહિલાઓના વાળ ખરી જતા હોય છે અને મહિલાઓ બહાર નીકળતા પણ શરમ અનુભવતી હોય છે એ દરમિયાન યુવતીએ વાળ દાન કરવાનું વિચાર્યું હતું.
વાળ ડોનેટ કરવા 2 વર્ષ સુધી વાળ વધાર્યા
અમી શ્રીમાળીએ મિડીયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પહેલા હું બોય કટ રાખતી હતી, પરંતુ કેન્સર પીડિત મહિલા દર્દીઓને જોયા બાદ મને તેઓ માટે હેર ડોનેટ કરવા હતા, પરંતુ ઉમર નાની અને કોઈ પ્લેટફોર્મના મળતા મેં એ સમયે વાળ ડોનેટ નહોતા કર્યા. ત્યારે મેં વાળ વધાર્યા જ્યાં ગ્રોથ થતા 2 વર્ષ લાગ્યા બાદમાં સોસિયલ મીડિયા દ્વારા હેર ડોનેટ કરતી સંસ્થાનો સંપર્ક કરી આજે મેં વિસનગર ખાતે હેર ડોનેટ કર્યા હતા.
હેર ડોનેટ બાદ માથામાં કેપ પણ નહીં પહેરું
અમી શ્રીમાળીએ વધુ માં જણાવ્યું હતું કે હેર ડોનેટ કર્યા બાદ હું કેપ નહિ પહેરું કારણ કે કેન્સર પીડિત દર્દીઓના વાળ હોતા નથી અને તેઓ બહાર નીકળતા શરમ અનુભવતા હોય છે. ત્યારે અમે વગર વાળે બહાર જઇશુ તો કેન્સર પીડિત દર્દીઓમાં બહાર નીકળવાની હિંમત આવશે અને શરમ પણ નહીં અનુભવે. બસ આજ ઉદેશયથી હેર ડોનેટ કર્યા છે.પિતા હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યાં દર્દીઓને જોઈ વિચાર આવ્યો, હેર ડોનેટ બાદ માથામાં કેપ પણ નહીં પહેરું