લગ્નના 11 વર્ષ બાદ પત્ની કૌટુંબિક પરિણીત યુવક સાથે ભાગી ગઈ, ભાંગી પડેલા પતિએ 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

લગ્નના 11 વર્ષ બાદ પત્ની કૌટુંબિક પરિણીત યુવક સાથે ભાગી ગઈ, ભાંગી પડેલા પતિએ 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

એક ખૂબ જ આઘાતજનક બનાવ સામે આવ્યો છે. લગ્નનાં 11 વર્ષ બાદ પત્ની ગામના જ અન્ય યુવક સાથે ભાગી જતાં બે સંતાનોના પિતા એ દીકરી સાથે કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. કઠલાલ તાલુકાના શાહપુર તાબે ભોઈનાવડ ગામના 30 વર્ષીય સંજયભાઈએ તેમની 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાના સમાચાર મળતા જ ફતિયાબાદ કેનાલ પર લોકના ટોળે ટોળા ઉમટ્યાં હતા. સ્થાનિક પોલીસ અને ગ્રામજનો દ્વારા તરવૈયા બોલાવી બંનેની શોધખોળ કરતા 20 કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહો મળી આવ્યા છે. સમગ્ર ઘટના અંગે આતરસુંબા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી
શાહપુર તાબે ભોઈનાવડ ગામમાં રહેતા સંજયભાઈ રાવજીભાઈ પરમારના લગ્ન કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં 11 વર્ષ પહેલા થયા હતા. તેઓને સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હતી. સંજયભાઈની પત્ની પુષ્પાને ગામના કૌટુંબિક પરિણીત યુવક સાથે આંખો મળી જતા અઠવાડિયા અગાઉ બંને પરિવાર અને ગામ છોડી ભાગી ગયા હતા. સગા સંબંધીઓના મતે પુષ્પાને ભગાડી જનાર યુવકે સંજયભાઈને ગત રોજ ફોન કર્યો હતો.

સંજય દીકરીને લેવા ગયો, પણ પરત ના આવ્યો
બની શકે કે ભગાડી જનાર યુવક અને પુષ્પાએ સંજયભાઈને ફોન પર કોઈ એવી વાત કરી હશે જે બાબતે સંજયને મનમાં લાગી આવ્યું હતું. જેથી સાંજે સ્કૂલ છૂટ્યા બાદ સંજય દીકરીને લેવા ગયો હતો. પરંતુ તે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરતા તેનું બાઇક નર્મદા કેનાલ પરથી મળી આવતા સંજયે દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યાનો અંદાજ આવી ગયો હતો.

સ્કૂલથી પિતા ક્યાં લઈ જાય છે એ ક્યાં ખબર હતી
સંજયની દીકરી શિવાની ધોરણ 1માં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે ગંગાપુરા પ્રાથમિક શાળામાં દીકરીને લેવા ગયો હતો. ત્યાંથી પોતાના ટુ વ્હીલર પર કઠલાલ થઈ આંત્રોલી પાસેની નર્મદા નહેરના પુલ પર પોતાનું ટુ-વ્હીલર મૂકી પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. દીકરીને ક્યાં ખબર હતી કે, પિતા ઘરના બદલે મોતની ગોદમાં લઈ જઈ રહ્યાં છે!

10 વર્ષીય દીકરો નાના સાથે રહેતો હોવાથી બચ્યો
સંજયભાઈ પરમારને સંતાનમાં 10 વર્ષનો દીકરો યુવરાજસિંહ અને 5 વર્ષની દીકરી શિવાની હતી. પત્ની પુષ્પા લગ્નના 11 વર્ષ બાદ પણ બે નાના સંતાનોને તરછોડી અન્ય યુવક સાથે ભાગી જતા 10 વર્ષના દીકરાને લહેરજીના મુવાડા ખાતે રહેતા નાના બાબુભાઈ પરમાર લઈ આવ્યા હતા. જ્યારે શિવાની પોતાના બા-દાદા અને પિતા સાથે રહેતી હોય પિતાએ તેની સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી.

મૃતદેહોને શોધવા તરવૈયાઓ 24 કલાક ઝઝૂમ્યા
સંજયે બુધવારે સાંજે 6 કલાકે દીકરી સાથે નહેરમાં ઝંપલાવ્યું હતુ. જે બાદ ગૂરૂવારે બપોરના 2 કલાકે એટલે કે 20 કલાક બાદ પુત્રીનો મૃતદેહ નહેર માંથી મળી આવ્યો હતો. જ્યારે સંજયભાઈ નો મૃતદેહ 5.30 કલાકે એટલે કે 24 કલાક બાદ મળી આવતા પરમાર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

માતા-પિતા નોંધારા, 1 પુત્ર ગુમ હતો, બીજાનો આપઘાત
કઠલાલ તાલુકાના ભોઈના વડ ખાતે રહેતા રાવજીભાઈ પરમારને સંતાનોમાં બે દીકરા પૈકી મોટો દીકરો સંજયે પત્ની ભાગી જવાથી આપઘાત કર્યો. જ્યારે અન્ય એક દીકરો કિસ્મત પણ 1 વર્ષ અગાઉ થી ગુમ થયેલ છે. જેનો આજદિન સુધીમાં અતોપતો લાગેલ નથી. ત્યારે માતા પિતાએ જીવન સંધ્યાએ 1 વર્ષના ગાળામાં બે દીકરાઓ ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.ગુજરાતનો શોકિંગ બનાવ, પત્ની પરપુરુષ સાથે ભાગી, ફોન પર એવી તે શું ધમકી મળી કે પતિએ દીકરી સાથે કેનાલમાં મોતની છલાંગ, તડપી તડપીને મોતને ભેટ્યા