સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને આકરી સજા, 5 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરી અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારાઈ
સુરત ની પોક્સો કોર્ટમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારવામાં આવી છે. ત્વરિત ન્યાય કરતાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આકરી સજા ફટકારી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું.12-10-2021 નવરાત્રિના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ એક સાથે સહયોગ આપતાં આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકારવામાં આવ્યો છે.
10 દિવસમાં ચાર્જશીટ થઈ
આખા રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં આવેલ છે. તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યાં હતાં. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. જીલ્લા સરકારી વકીલને પ્રોસિક્યુશનના અસલ કેસ કાગળો તા.22/10/2021ના રોજ આપવામાં આવેલ છે. તા.23/10/2021 અને તા.24/10/2021 એમ બે રજાના દિવસમાં આખી મેટર તૈયાર કરી તા.25/10/2021 ના રોજ સદર કેસમાં ચાર્જ તથા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ નામ, એડીશનલ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
કોર્ટ રાતના 12 સુધી ખુલી રહી
તા.26/10/2021 થી તા.29/10/2021 સુધીમાં સદર કેસમાં સંપૂર્ણ પુરાવો રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12.00 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુન્હેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુથી ઝડપી ચલાવવામાં આવી હતી. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ વી.કે.વ્યાસ તથા એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ પી.એસ.કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળેલો છે
સજાની સાથે દંડ કરાયો
ફરીયાદપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, ઇ.પી.કો.ક.307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, ઇ.પી.કો.ક.323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ,ઇ.પી.કો.ક.376-એ-બી ગુન્હા સબબ આજીવન(જીંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા)અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.