PUBG ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના યુવકને 680 કિમી દૂર મહેસાણાની સગીરા સાથે પ્રેમ થતાં ભગાડી ગયો !

PUBG ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના યુવકને 680 કિમી દૂર મહેસાણાની સગીરા સાથે પ્રેમ થતાં ભગાડી ગયો !

મહેસાણા પબજી ગેમ રમતાં રમતાં થઈ ગયો પ્રેમ… સાંભળીને તમને આશ્ચર્ય લાગશે, પરંતુ મહેસાણા પંથકના એક ગામની સગીરાને પબજી ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. પબજી ગેમથી પાંગરેલા પ્રેમના દોઢ વર્ષ બાદ પ્રેમિકા સગીર વયની હોવાથી તેને ભગાડી જવાના કેસમાં પ્રેમીને જેલમાં જવાનો વારો આવ્યો છે.

મહેસાણા પંથકના એક ગામની 15 વર્ષીય કિશોરીને પબજી ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના 19 વર્ષીય યુવક સાથે પરિચય થયો હતો. મોબાઈલ નંબર લીધા બાદ બંનેએ એકબીજાના ફોટાની આપ-લે કરી હતી. ત્યાર બાદ દોઢ વર્ષ સુધી બંને વચ્ચે વાતચીત ચાલુ રહેતાં પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. બંનેએ એકબીજાને રૂબરૂ મળવાનો નિર્ણય કરતાં એક માસ અગાઉ મહારાષ્ટ્રનો યુવક મહેસાણા આવ્યો હતો અને સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો.

15 ઓક્ટોબરે ભગાડી ગયા બાદ માતા-પિતાએ શોધખોળ કરવા છતાં નહીં મળતાં પોલીસને જાણ કરતાં 19 ઓક્ટોબરે સગીરાના અપહરણ મામલે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંનેના મોબાઈલ નંબરના સીડીઆર એનાલિસિસ કરતાં સગીરા મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં હોવાની માહિતી મળી હતી,

તેથી મહેસાણા તાલુકા પીઆઈ આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. વાઘેલા, ઈમરાનભાઈ, વિમલકુમારની ટીમે મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લાના મહેકર ગામના મિલિન્દનગરમાં વોચ ગોઠવી આરોપી યુવક અને સગીરા હોટલમાં જમવા આવ્યા ત્યારે પકડી લીધા હતા.

બંનેને મહેસાણા લાવી સગીરાને માતા-પિતાને સોંપી હતી, જ્યારે બુલધાણા જિલ્લાના મહેકર ગામનો 19 વર્ષીય રોહિત સુનીલ નવધરે 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો હોવાથી તાલુકા પોલીસે ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો.