અંબાજીમાં પ્રસાદની દુકાનોમાં ચાલતી છેતરપિંડી સામે અમદાવાદી યુવક જંગે ચઢ્યો, વીડિયો ઉતારીને પોલ ખોલી નાખી, જુઓ

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ગુજરાત બહારના શ્રદ્ધાળુઓ પણ મોટીસંખ્યામાં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. અંબે માતાના ધામમાં અમુક લેભાગુ વેપારીઓ દ્વારા ઉંઘાડી લૂંટના બનાવો છેલ્લાં કેટલાય સમયથી વધી રહ્યા છે. આવો જ એક કડવો અનુભવ અમદાવાદના રહીશ ગોપાલભાઈ પટેલને થયો હતો. તેમણે વેપારીની દાદાગીરી સામે ઝૂકવાના બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ન્યૂઝ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવી ખોલી હતી. ગોપાલભાઈ મીડિયા સાથે વાત કરી ખરેખર શું બન્યું હતું તેની વિગતો જાણી હતી.

ખરેખર શું બન્યું હતું?
અમદાવાદના બાપુનગરમાં ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ અરજણભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”હું અને મારા ચાર મિત્ર, જે મુંબઈથી આવેલા હતા, અમે બધા જ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. અંબાજી સર્કલ આગળથી અમે ગાડી વળતા હતા એ વખતે ત્યાં કેટલાક માણસો બાઇક લઈને ઊભા હતા. એમાંથી એકે કહ્યું કે આગળ રસ્તો બંધ છે. અહીંથી વળી જાઓ. પછી એ ભાઈ બાઇક લઈને આગળ અમારી સાથે આવ્યા અને મંદિરની પાછળ અમને પાર્કિંગ કરાવ્યું. બાદમાં તેણે કહ્યું કે તમારે માતાજીનો શણગાર લેવો હોય તો અહીં અમારી દુકાન છે. પહેલા અમને પાંચ ટોપલી આપતા હતા.

અમે કહ્યું કે અમારે પાંચ ટોપલી નથી જોઈતી, બે જ જોઈએ છે, એમ કહીને એ ભાઈને પાંચસોની નોટ આપી હતી. તો ના પાડીને કહ્યું કે જલદી જલદી જાઓ. દર્શન બંધ થઈ જશે. એ બધી તેમની મોનોપોલી હશે. તેમણે પૈસા ન લીધા તો અમે ચોખવટ કરી કે એક ટોપલીના 251 લેખે આપીશું. તો તેમણે હા પાડી. દર્શન કરીને અમે પરત આવ્યા ત્યારે તેમણે 1360 રૂપિયા માગ્યા હતા. અમે કહ્યું, 251 નક્કી તો કર્યા હતા, તો ઉપરના 500 રૂપિયા કેમ વધારે માગો છો? તમારે દેવા જ પડશેસ એમ તેમણે કહ્યું હતું. બાદમાં આજુબાજુના ચારથી પાંચ દુકાનવાળા ભેગા થઈ ગયા હતા અને તેમણે પણ ધાકધમકી આપીને “તમારે રૂપિયા દેવા જ પડશે, અમે છોડીશું નહીં” એમ કહ્યું હતું. ગાડીનું મહારાષ્ટ્રનું પાસિંગ જોયું હતું.”

પોલીસ સ્ટેશનમાં શું થયું?
ગોપાલભાઈ પટેલે જણાવ્યું કે, “પોલીસ સ્ટેશનમાં જઈ મેં રજૂઆત કરી હતી. ત્યારે કોન્સ્ટેબલ હાજર હતા. બાદમાં પોલીસ-ઇન્સ્પેકટર આવ્યા હતા. તેમણે અમારું સાંભળ્યું હતું અને ફરિયાદ પણ દાખલ કરી હતી. પછી સામેની વ્યક્તિને બોલાવી, જેનું નામ દિનેશ ગલબાજી વણઝારા હતું. તેણે કહ્યું હતું કે સાહેબ, માફ કરી દો. મેં કહ્યું, મારે પૈસા નથી જોઈતા. બીજા બે હજાર જોઈતા હોય તો હું આપું, પણ કેટલા લોકો સાથે તમે આવું કરતા હશો?”

બીજા દિવસે તપાસ કરતાં મોટા ભાગની દુકાનોમાં આવું જ ચાલતું હતું
તેમના કહેવા અનુસાર, ​​​ બીજા દિવસે ત્યાં રોકાઈને તેઓ ફરીથી દિનેશની દુકાને ગયા હતા અને તેની સાથે વાત કરી તો તેણે ત્યારે રૂપિયા પરત આપવાની વાત કરી હતી. દરમિયાન બીજા દુકાનદારો પણ વચ્ચે પડ્યા હતા અને પૈસા પરત આપવાની તથા દિનેશને માફ કરી દેવાની વાત કરી હતી. ત્યાર બાદ બજારમાં અન્ય દુકાનોમાં તપાસ કરતાં જેટલા વેપારી ચૂંદડી, પ્રસાદ કે છત્ર વેચે છે, કોઈ પાસે ભાવ લખેલા નહોતા અને તે બધાના તેમણે વીડિયો બનાવ્યા હતા. સર્કલ પર જે ઊભા રહે છે તેમની આખી ટીમ છે. પોલીસ નગરપાલિકા કે મંદિરના ચેરમેન – સેક્રેટરી જે પણ હોય, તેમણે પણ આ ધ્યાન રાખવું જોઈએ. બહારના હરિભક્તો આવે છે, તેમને તકલીફ ન પડે એટલે ત્યાં બોર્ડ લગાવવાં જોઈએ અને પૈસા પડાવે છે એ બધું બંધ કરાવવું જોઈએ.

દુકાનદારોએ ભાવનાં લિસ્ટ મૂક્યા નથી
આ રીતે લાખો ભક્તો અંબાજીમાં આવતા હશે. આવા સર્કલે ઊભા રહેતા માણસો સામે પગલાં લેવા જોઈએ. કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. અમે તો અમારા ફેમિલી સાથે આવ્યા હતા અને ફરિયાદ દાખલ કરાવી હતી. બીજું એ કે અંબાજીમાં જેટલી દુકાનો છે એમાં દુકાનદારોએ ભાવનાં લિસ્ટ મૂક્યા નથી. મેં જે દિવસે આ ફરિયાદ દાખલ કરી. એના બીજા દિવસે બીજી દુકાનોમાં ગયા. માતાજીને છત્ર ચઢાવવામાં આવે છે, એ કોઈ 150 તો કોઈ 200 રૂપિયા લે છે, પણ એકપણ છત્ર સાચું કે ચાંદીનું નથી. એ દસ રૂપિયાવાળી વસ્તુ છે. આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ તેમણે ભાવ લખવા જોઈએ. લાખો કિમી દૂરથી આવતા ભક્તોનો આ લોકો તોડપાણી કરે કે લૂંટે તો અંબાજીના ટ્રસ્ટીઓ, કલેક્ટર કે એસપી તેમની સામે પગલાં લે. ભવિષ્યમાં અન્ય ભક્તો ન લૂંટાય એના માટે વિનંતી કરી રહ્યો છું.

એક-બે ટકા લોકો આવી પ્રવૃતિમાં સંકળાયેલા હોય છે: બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે જિલ્લા કલેક્ટર ગણાય છે. આ અંગે મિડીયાએ બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, ‘આખી ઘટના મારા ધ્યાનમાં છે, એક્શન પણ લીધાં છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે એ વેપારી અને ગ્રાહકો વચ્ચેની તકરાર હતી. ત્યાં કંઈ પણ થાય એટલે અંબાજી મંદિરને ઘસડી અને અંબાજી મંદિર જેવી પવિત્ર જગ્યાને બદનામ કરવાની ફેશન થઈ ગઈ છે. એ માર્કેટનો મુદ્દો છે, મંદિરનો મુદ્દો નથી. બંને અલગ મુદ્દા છે. જ્યાં સુધી એક્શન લેવાની વાત છે પોલીસ ફરિયાદ કરી પહોંચ ફડાવી છે. SP સાથે પણ વાત કરી છે અને આમાં જે પણ કાર્યવાહી કરવાની હોય એ કરવાની સૂચનાઓ આપેલી છે. બીજું, તમામ લોકલ લેવલના અધિકારીઓએ હતાં એ બધા સાથે જાતે મિટિંગ કરી છે અને બહુ જ ક્લિયર સૂચના આપવામાં આવી છે કે જો આ પ્રકારની ઘટનાઓ થાય એમાં કોઈ દુકાનદાર સામેલ હોય અને એની દુકાન ક્યાંય દબાણમાં ચાલતી હોય તો તાત્કાલિક અસરથી તેને દૂર કરવાની કાર્યવાહી કરવી. વેપારી એસોસિયેશન સાથે જાતે અગાઉ રૂબરૂમાં મિટિંગ કરી ચર્ચા કરેલી છે. મોટાભાગના વેપારીઓ જ એસોસિયેશનમાં સામેલ છે અને આવી પ્રવૃતિમાં સંકળાતા નથી, પરંતુ એક બે ટકા આવા માણસો હોય છે. જે આવી પ્રવૃતિમાં સંકળાયેલા હોય છે.’

એક ઘટનાને કારણે આખા યાત્રાધામને બદનામ કરવું યોગ્ય નથી: જિલ્લા કલેક્ટર
લાખો માણસો ત્યાં આવતા હોય છે. આપણે તેમની સુવિધા સચવાય તેવા પ્રયત્નો કરીએ છીએ. ગ્રાહક સુરક્ષા કેન્દ્રને પણ એક્ટીવેટ કરેલું છે. ઘણી બધી ફરિયાદો ત્યાં પણ આવતી હોય છે. એની પર કાર્યવાહી પણ ચાલતી હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. સ્થાનિક વેપારીઓ સાથે અમે સતત મિટિંગ કરતાં હોઈએ છીએ કે આવી ઘટનાઓ ન બનવી જોઈએ. આપણે ક્યાંક જઈએ ને આપણી સાથે આવું કંઈ બને તો આપણને જેવી લાગણી અનુભવીએ એવી જ બહારના માણસને પણ લાગણી અનુભવાતી હોય છે. એક માણસના નાના આવા દુર્વ્યવહારના કારણે આખેઆખું યાત્રા ધામ બદનામ થાય એ વસ્તુ યોગ્ય નથી. આવી ફરિયાદો બહુ ઓછી આવે છે. રોજ નથી આવતી. ત્યાં ત્રણ વસ્તુ ગોઠવી રાખી છે. પોલીસ વ્યવસ્થા, ગ્રાહક સુરક્ષા અને વેપારીઓ સાથે સતત મીટીંગ કરતાં હોઈએ છીએ.

ટ્રસ્ટમાં દરેક જિલ્લાના સભ્યોનો સમાવેશ કરો
આ અંગે નામ ન આપવાની શરતે અંબાજીના એક પદાધિકારીએ કહ્યું હતું કે આવી તો મહિનામાં એક બે બબાલ હોય જ છે. ત્યાં ખુલ્લી લૂંટ જ છે. મુસાફરને ઉલ્લુ બનાવીને પંદર માણસોનુ ટોળું ભેગું થઈ જાય કે આપવા જ પડશે પૈસા.પોલીસ ધારે તો બે દિવસમાં બંધ કરવી શકે છે. તેમજ અંબાજી ટ્રસ્ટમાં આખા ગુજરાતના જિલ્લામાંથી એક-બે સભ્યોનો સમાવેશ કરવો જોઈએ.અંબાજી દર્શન કરવા જાઓ તો ચેતજો..! છેતરવાની ટ્રિક જાણીને તમારા હોશ ઉડી જશે, આવી રીતે કરે છે છેતરપીંડી

error: Content is protected !!