કૂતરું કરડ્યા બાદ હડકવાની રસી ન મુકાવતાં આશાસ્પદ યુવાનનું મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. કૂતરું કરડ્યા બાદ સમયસર હડકવાની રસી ન મુકાવનાર વડોદરા શહેર નજીક આવેલા વડદલા ગામના આશાસ્પદ યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 18 વર્ષીય યુવકને 3 માસ પહેલાં કૂતરું કરડ્યું હતું. એ બાદ દાખવેલી બેદરકારી તેના માટે મોતનું કારણ બન્યું હોવાની વિગત મળી છે. પરિવારે એકનો એક દીકરો ગુમાવતા સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે.

ઇન્જેક્શનના ડરથી સારવાર ન કરાવી
વડોદરાના તરસાલી નજીક આવેલા હરિનગર વડદલા ગામમાં કૃણાલ વિજયભાઈ જાદવ (ઉં.વ.18) છોટાઉદેપુર ખાતે આવેલી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. 3 મહિના પહેલાં કૃણાલને રસ્તે રખડતા કૂતરાએ બચકું ભર્યું હતું, જેમાં તેના પગ પર કૂતરાનો એક દાંત વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ આ બનાવ બાદ કૃણાલે એન્ટીરેબિસ્ટનાં ઈન્જેક્શનો લેવાના ડરે એ સમયે કૂતરું કરડવાની સારવાર કરાવી ન હતી, પરંતુ તેને નહોતી ખબર કે તેની આ બેદરકારી તેનો જીવ લઈ લેશે.

હડકવાની અસર પ્રસરી ગઈ
જ્યારે કૃણાલને તેના પરિવારે ઈજા વિશે પૂછ્યું ત્યારે પણ તેને ઈન્જેક્શનોનો ડર રાખીને પતરું વાગ્યું હોવાની વાત જણાવી સારવાર કરાવી ન હતી, જેનું પરિણામ એ આવ્યું કે તેના શરીરમાં ધીરે ધીરે આ હડકવાની અસર પ્રસરવા લાગી. 3 મહિના બાદ તેને પેટમાં અસહ્ય દુખાવો, પેશાબ બંધ થવો, ખોરાક લેવા માટેની અન્નનળી સંકોચાઈ જવી સહિતનાં હડકવાનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. એને કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. કૃણાલે સારવાર કરાવવા માટે દાખવેલી નિષ્ક્રિયતાને પગલે તેના માટે જીવલેણ પુરવાર થઇ હતી.

એકનો એક દીકરો ગુમાવ્યો
પરિવારે એકનો એક દીકરો અને બે બહેનોએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે, જેને પગલે સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. એ સાથે આ બનાવે વડદલા ગામ સહિત આસપાસનાં ગામોમાં સન્નાટો પાથરી દીધો છે.

જીવજંતુ અને પ્રાણીના કરડવાને ગંભીરતાથી લેવું
આ વિશે તબીબોનું કહેવું છે કે કોઈપણ જીવજંતુ અને પ્રાણીના કરડવાને ગંભીરતાથી લેવું જરૂરી છે. એમાં પણ કૂતરાના કરડ્યા બાદ સારવાર લેવામાં ન આવે તો 20 વર્ષ બાદ પણ તે વ્યક્તિને હડકવાની અસર થઈ શકે છે, જેથી કરીને લોકોએ તરત જ સારવાર લેવી જરૂરી છે. આ માટે સરકાર દ્વારા પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે, જેથી કરીને લોકોએ હવે જાગૃતિ કેળવવાની જરૂર છે.ગુજરાતનો કિસ્સોઃ કૂતરું કરડ્યા બાદ ઇન્જેક્શનના ડરથી રસી ન મુકાવતાં યુવાનને હડકવા ઊપડ્યો, પોતાની જ બેદરકારીના કારણે મળ્યું દર્દનાક મોત, જોનારાઓ પણ હચમચી ગયા

error: Content is protected !!