રાજકોટમાં ઘરમાં એકલી પરિણીતાને બારીમાંથી ડોકું કાઢી જોયા રાખતો પાડોશી, અને પછી લોહીના ખાબોચિયા ભરાયા, જોનારાઓ હચમચી ગયા

રાજકોટમાં ઘરમાં એકલી પરિણીતાને બારીમાંથી ડોકું કાઢી જોયા રાખતો પાડોશી, અને પછી લોહીના ખાબોચિયા ભરાયા, જોનારાઓ હચમચી ગયા

રાજકોટના શાપર વેરાવળ ખાતે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શાપર વેરાવળમાં કારખાનાની ઓરડીમાં પતિ સાથે રહેતી મુળ બિહારની પરિણીતાને યુપીનો એક શખ્સ છેડતી કરી બારીમાંથી ડોકા કાઢી હેરાન કરતો હોઇ તેને ટપારતાં છેડતી કરનારે પોતાના ભાઇ સાથે મળી આ પરિણિતા પર લોખંડના સળીયાથી હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉંતારી દેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. શાપર પોલીસે હત્યા કરનારા પૈકીના એકને સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ શાપર વેરાવળમાં રેડિકો ઓટો મેન્શનની બાજુમાં કારખાનાની ઓરડીમાં રહેતી મુળ બિહારની શબનમકુમારી સંતોષ ચૌહાણ (ઉં.વ.30) પર ગત રાતે નજીકમાં જ રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ યુપીના સોનુ નામના શખ્સે તેના ભાઇ શંભુ સાથે મળી લોખંડના સળીયાથી હુમલો કરી ઇજા કરતાં તેણીને પ્રથમ શાપર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.

મૃતક શબનમકુમારી મુળ બિહારની વતની હતી. તેનો પતિ સંતોષ ચૌહાણ શાપરમાં સન્ની એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરે છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ ત્રણેય સંતાનો મા વિહોણા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યાનો ભોગ બનનાર શબનમકુમારીના પતિ સંતોષ ચૌહાણે જણાવ્યું હતું કે, હું સન્ની એન્ટરપ્રાઇઝમા઼ કામ કરુ છું. મારી નોકરીનો ટાઇમ સવારે આઠથી રાતના દસ સુધીનો હોય છે. હું રાતે પોણા દસેક વાગ્યે કારખાને હતો ત્યારે સાળાનો દિકરો પવન મને બોલાવવા આવ્યો હતો અને કહ્યું હતું કે તમારા પત્ની સાથે સોનુ અને તેનો ભાઇ શંભુ ઝઘડો કરે છે. આથી હું અને બીજા બે સાથી કર્મચારી ઘરે આવ્યા હતાં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ઝઘડો ચાલુ હોઇ મેં સોનુ અને શંભુને ઝઘડો ન કરવા સમજાવતાં બંને વધુ ઉંશ્કેરાઇ ગયા હતાં અને મારી પત્નીને વાળ ખેંચી ઢસડી હતી અને પછી લોખંડના સળીયાથી હુમલો કરતાં મારી પત્ની શબનમને માથામાં ગંભીર ઇજા થતાં તે લોહીલુહાણ થઇ પડી ગઇ હતી. દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં સોનુ અને શંભુ ભાગી ગયા હતાં. અમે શબનમને પહેલા શાપર લઇ ગયા હતાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતાં. પરંતુ અહિ જીવ બચી શક્યો ન હોતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી નોકરી સવારથી રાત સુધીની હોઇ મોટે ભાગે મારી પત્ની શબનમ ઘરે એકલી રહેતી હતી. બાજુની ઓરડીમાં જ યુપીનો સોનુ અને શંભુ રહે છે. સોનુ વારંવાર દારૂ પી મારી પત્નીની પજવણી કરી હેરાન કરતો હતો અને બારીમાંથી ડોકા કાઢતો હતો. ગત રાતે પણ મારી પત્ની ઓરડીમાં એકલી હતી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ સમયે સોનુએ બારીમાંથી ડોકુ કાઢતાં તેને આવું કરવાની ના પાડતાં તેણે મારી પત્ની સાથે ઝઘડો કર્યો હતો. હું સમજાવવા આવતાં વધુ ઝઘડો કર્યો હતો અને મારી ઘરવાળીને સળીયાના ઘા ફટકારી દીધા હતાં. શાપર પોલીસ મથકના હેડકોન્સ. એન. એ. ચૌહાણે પ્રાથમિક કાર્યવાહી કરી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે. બનાવથી પરપ્રાંતિય મજૂર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.પરિણીતાને લોખંડના સળીયા ઝીંકી વાળ ખેંચી ઢસડી, ત્રણ બાળકો માતા વિહોણા બન્યા