ક્ષત્રિય દીકરાએ મુસ્લિમ યુવાનને ડૂબતો બચાવવા કેનાલમાં કૂદકો માર્યો, બંનેનાં મોત, ક્ષત્રિય ધર્મને સો સો સલામ

દેશના અમુક ભાગોમાં હાલ હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભરેલું વાતાવરણ છે. આ તંગદિલીભર્યા વાતાવરણથી વિપરીત કચ્છમાં એક ક્ષત્રિય દીકરાએ મુસ્લિમ યુવાને માટે પોતાનો જીવ આપી દીધાનો બનાવ બન્યો છે. સંકટના સમયમાં મદદ માંગનારને નિરાશ ન કરવા એ ક્ષત્રિય ધર્મની વ્યાખ્યાને અનુસરીને 24 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. બે દિવસ પહેલાં ભચાઉ નજીક નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો, બરોબર આ સમયે જ ત્યાંથી પસાર થતાં જીતેન્દ્રસિંહ જાડેજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કૂદકો મારી દીધો હતો. જોકે આ ઘટનામાં બંનેના કરુણ મોત થયા હતા. આ અંગે મિડીયાએ મૃતક ક્ષત્રિય યુવાનના પિતરાઈ અને ગામના સરપંચ સાથે વાત કરી આખી ઘટના જાણી હતી.

શું હતી ઘટના
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો. જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો તેનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.

દોરડું આવવાની રાહ ન જોઈ અને કૂદકો માર્યો
આ ઘટના બાદ મિડીયાએ જિતેન્દ્રસિંહ જાડેજાના પિતરાઈ જોગરાજસિંહ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ધોરણ 12 સુધી ભણેલા જિતેન્દ્રસિંહની ઉંમર 24 વર્ષની હતી. તે ગાંધીધામમાં તેમના મામા ને ત્યાં નોકરી કરતો હતો. રવિવારે એને રજા હતી. એ કેનાલના રસ્તે ભચાઉ વાળ કપાવવા જતો હતો. ત્યાં રસ્તામાં તેણે જોયું કે એક વ્યક્તિ કેનાલમાં ડૂબતી હતી અને એની માતા બચાવો બચાવોની બૂમો પડતી હતી. એ જોઈને જિતેન્દ્રસિંહે બાઇક ઊભી રાખી. બાઈકમાં સાથે તેનો મિત્ર કરમશી રબારી પણ હતો. બંને એ બચાવવાનું નક્કી કર્યું. એટલે કરમશી દોરડું લેવા ગયો. દરમિયાન પેલો યુવાન બૂમો પડતો હતો. જિતેન્દ્રસિંહ તરવૈયો હતો. એટલે એને એમ થયું કે હું બચાવી લઉં પરંતુ કેનાલમાં પાણીનું પ્રેશર પણ ખૂબ હતું. જિતેન્દ્રસિંહ દોરડું આવે એ પહેલા જ પાણીમાં કૂદીને અક્રમને બચાવવા ગયો, જેમાં તેને સફળતા પણ મળી હતી. જોકે ડઘાઈ ગયેલા અકરમે જિતેન્દ્રસિંહનો હાથ પકડી લેતા બંને ડૂબી ગયા હતા. જેમાં જિતેન્દ્રસિંહનો મૃતદેહ 24 કલાક બાદ 10 કિમી આગળથી મળી આવ્યો હતો.

અમારી સાથે હવે ફક્ત તેની યાદો જ રહી ગઈ
જોગરાજસિંહે આગળ જણાવ્યું કે, મુસ્લિમ પરિવાર કંઈક વિધિ કરવા આવ્યા હતા. એ વખતે અકરમ, તેની માતા અને એક નાનો છોકરો પણ હતો. જે વખતે અકરમ કેનાલમાં કંઈક વસ્તુ નાખવા ગયો ત્યારે તેનો પગ લપસી ગયો. તેની ઉંમર અંદાજે 35 વર્ષની હશે. તે ભચાઉના માનસરોવર વિસ્તાર નજીકના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોગરાજસિંહે કહ્યું કે, જીતેન્દ્રસિંહ દિલદાર માણસ હતો. ગામના તળાવમાં નાનપણથી જ તરવાનું શિખેલો હતો. અમારી સાથે હવે ફક્ત તેની યાદો જ રહી ગઈ છે.

મજૂરોને મૃતદેહના પગ દેખાયાને ભાળ મળી
આ અંગે ગામના સરપંચ ધનજીભાઈ પટેલે મિડીયાને જણાવ્યુ હતું કે દુર્ઘટના બાદ જીતેન્દ્રસિંહની બૉડી મળી નહોતી. ગામના 200થી વધુ યુવાનોની ટીમ અને નગરપાલિકાની ટીમ પણ શોધવામાં કામે લાગી હતી. આખો દિવસ શોધખોળ ચાલુ હતી. 20 કલાક બાદ બીજા દિવસે છકડામાં જતાં મજૂરને કેનાલમાં પગ દેખાયા હતા અને તેમણે જાણ કરી હતી.

હંમેશાં મદદ માટે તત્પર રહેતો
વધુમાં સરપંચે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહના પરિવારમાં માતા-પિતા અને એક મોટો ભાઈ છે. પિતા ગામમાં ફેક્ટરીમાં પાણી સપ્લાય કરનારને ત્યાં નોકરી કરે છે. માતા ગૃહિણી છે. તેનો ભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બંને ભાઈઓ અપરણિત હતા. ગામમાં કંઈ પણ કામ હોય જિતેન્દ્રસિંહ મદદ કરવા આવી જતો. કોઈ દિવસ કામની ના પાડતો નહોતો. છોકરો અને તેના પરિવારના માણસો સાવ સીધા છે. તેમના ઘરની આર્થિક સ્થિતિ નબળી છે. સરકાર એમની થોડી મદદ કરે તો સારું. જીતેન્દ્રસિંહની સ્મશાન યાત્રામાં આજુબાજુના ગામોમાથી મુસલમાનો પણ ઘણાં આવ્યા હતા.

જિતેન્દ્રસિંહે અગાઉ બેવાર મોતને ચકમો આપ્યો હતો
સરપંચ ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે જિતેન્દ્રસિંહ કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપમાં બચી ગયો હતો. ત્યાર બાદ એક વખત મિત્ર સાથે બાઇક પર જતો ત્યારે ટ્રકે જોરદાર ટક્કર મારી હતી, જેમાં જિતેન્દ્રસિંહ ફંગોળાઈને બચી ગયો હતો. જ્યારે સાથી મિત્રે જીવ ગુમાવ્યો હતો. આ વખતે કેનાલ પાસે પણ મહિલાએ રાડારાડ કરતાં તે ઉભો રહી ગયો હતો. સાથે તેનો મિત્ર કરમશી રબારી હતો. તેણે કેનાલમાં કૂદવાની ના પાડી અને તે બાજુની વાડીએ દોરડું લેવા ગયો. દરમિયાન મહિલાની ચીસો સાંભળીને જિતેન્દ્રસિંહની ધીરજ ખૂટી અને તેણે કૂદકો માર્યો હતો. કેનાલમાં પાણીનો ફોર્સ ઘણો હતો. તે અકરમને ખેંચીને બહાર પણ આવ્યો હતો, પણ ડરી ગયેલા અકરમે જિતેન્દ્રસિંહને પકડી લીધો અને બંનેના મોત થયા હતા.

પાંચ મિનિટ મોડો ગયો હોત તો…
સરપંચે આગળ જણાવ્યું કે જિતેન્દ્રસિંહ જ્યારે ભચાઉ વાળ કપાવા નીકળ્યો ત્યારે ગામના એક છોકરાએ તેને અટકાવ્યો પણ હતો. પણ જિતેન્દ્રસિંહે કહ્યું કે મોડું થવાની વાત કહીને ફટોફટ આવી જવાનું કહ્યું હતું. જોકે જિતેન્દ્રસિંહ 5-10 મિનિટ મોડો ગયો હોત તો બચી જાત.

મુસ્લિમ અગ્રણીઓએ કહ્યું- ક્ષત્રિય ધર્મને છાજે એવુ કાર્ય કર્યું છે
બીજી તરફ મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે પહોંચી પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદૂલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.મુસ્લિમ યુવાનને બચાવવામાં હિંદુ યુવાને પોતાનો જીવ આપી દીધો, મુસ્લિમોએ કહ્યું- ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું, સમાજ આ બલિદાન ક્યારેય નહીં ભૂલે

error: Content is protected !!