હોસ્પિટલની નીચે આવેલા ત્રીજા માળની ઓફિસમાં આગ લાગતાં નર્સે પોતાના જીવ ની પરવા વગર ત્રણ બાળકોને લઈ ફટાફટ દોડી ને જીવ બચાવ્યો
એપલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા કિરણબેન ભાવસાર કહે છે કે, ‘બપોરે 12.45એ હોસ્પિટલે પહોંચી ત્યારે અમારી હોસ્પિટલની નીચે આવેલા ત્રીજા માળની ઓફિસમાં આગ લાગી છે. આગ લાગ્યાની જાણ થતાં હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકોનું શું થશે, તે ચિંતામાં મારો, હોસ્પિટલના સ્ટાફનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પરંતુ, ફાયર બ્રિગેડની ટ્રોલી(સ્નોરકેલ)માં હું મારા ખોળામાં એક 800 ગ્રામ, 2 મહિના અને અન્ય બાળક મળીને ત્રણેય બાળકને ફટાફટ લઇને નીચે ઉતરીને એમ્બ્યુલન્સથી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.’
તેઓ કહે છે કે, ‘ઘટનાની જાણ થતાં હોસ્પિટલનો અન્ય સ્ટાફ જે રજા પર કે અન્ય શિફ્ટની ડ્યૂટીમાં હતો તે પણ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, હોસ્પિટલમાં દાખલ 12થી 13 બાળકોને અમે સગા સાથે સીડીથી નીચે ઉતાર્યા. ત્યારબાદ આગે વરવું સ્વરૂપ લેતા ધુુમાડાને કારણે સીડીથી નીચે ઉતરી શકાય તેમ ન હતું. જેથી અમે તાત્કાલિક બાળકોને લઇને ધાબે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે ટ્રોલીથી નીચે ઉતાર્યા હતા. ઘટનાની 15થી 20 મિનિટમાં હોસ્પિટલમાંથી તમામ બાળકોને સુરક્ષિત બહાર કઢાયા હતા.’
શું હતી ઘટના?
પરિમલ ગાર્ડન પાસેના દેવ કોમ્પ્લેક્સમાં આવેલી બાળકોની એપલ હોસ્પિટલમાં 2019 માં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્સમાં ફાયર સિસ્ટમ લગાવાઈ હતી. તેના 4 વર્ષ બાદ દેવ કોમ્પ્લેક્સમાં શનિવારે ફરી વખત આગ લાગી હતી. જો કે આ વખતે આગ કોમ્પ્લેક્સમાં આવેલી એક કંપનીના સર્વર રૂમમાં લાગી હતી. જોત જોતામાં આગ ચોથા માળે આવેલી એપલ સહિતની બાળકોની 4 હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી. આગ લાગી ત્યારે હોસ્પિટલોમાં 13 નવજાત અને પરિવારના સભ્યો મળીને 75 જણા હાજર હોવાથી તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ફાયરની ટીમે સ્નોરકેલની મદદથી બાળકો અને તેમના પરિવારના સભ્યોને બચાવી લીધા હતા અને તમામ બાળકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. આગ લાગી ત્યારે આ કોમ્પ્લેક્સમાં 200 વ્યક્તિ હાજર હતા, જેમાંથી ઘણા બધા ધાબે તો ઘણા બધા પગથિયા ઉતરીને નીકળી ગયા હતા. મહત્વની વાત એ છે કે આગની દોડધામમાં કોમ્પ્લેક્સમાં લાગેલી ફાયર સિસ્ટમનો ઉપયોગ કરવાનું લોકો ભૂલી જતા ફાયર બ્રિગેડની મદદ લેવા પડી હતી.