ખરોડના લઘુમતિ સમાજના દંપતીને સંતાનમાં 3 દીકરી,ત્રણેય ડોક્ટર બની: વિદેશ જવાનું ટાળી દેશમાં સેવા આપવા મક્કમ

ખરોડના લઘુમતિ સમાજના દંપતીને સંતાનમાં 3 દીકરી,ત્રણેય ડોક્ટર બની: વિદેશ જવાનું ટાળી દેશમાં સેવા આપવા મક્કમ

અંકલેશ્વરના ખરોડ ગામે રહેતા અયાઝ અહમદ ખરોડીયા કોંઢ ગામે એક સ્કૂલમાં આચાર્ય જ્યારે પત્ની શહેનાઝ ખરોડીયા પ્રાઇમરી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. લઘુમતિ સમાજના શિક્ષક દંપતિના પરિવારને ત્રણ દીકરીઓ છે જે ત્રણેય ડોક્ટર બની છે. આ શિક્ષક દંપતિએ દીકરીઓને ડોક્ટર બનવાનું તેમના જન્મ સમયે જ નક્કી કર્યું હતું.જેના પગલે આજે તેમની ત્રણેય દીકરીઓમાં મોટી દીકરી ડો.ઝયનબ ગાયનેક, બીજી દીકરી ડો. સઈદા અયાઝ ડેન્ટલ સર્જન છે. જ્યારે ત્રીજી દીકરી ડો.શમીમાહ એમબીબીએસ બાદ હાલમાં તેઓ ત્રણ રાજ્યોની ખ્યાતનામ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છે.

સુરતી સુન્ની વ્હોરા સમાજના ખરોડીયા દંપતીએ પોતાની દીકરીઓને ડોક્ટર બનાવ્યાની સાથે સંસ્કારોનું સિંચન પણ કર્યું છે. દીકરીઓએ ડોક્ટરની ડીગ્રી મેળવ્યા બાદ વિદેશ જવાની ના પાડી દેશમાં જ આરોગ્ય સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક દીકરી અંકલેશ્વર અને એક દીકરી ઝારખંડ જ્યારે ત્રીબીજએ રાજસ્થાનમાં તબીબી ક્ષેત્રે સેવા આપી રહી છે. ત્રણ દીકરીઓનો એક જ સૂર છે કે ચુસ્ત સમાજમાંથી આવતી હોવા છતાં પિતાએ સંપૂર્ણ આઝાદી આપી જેથી આજે સપના સાકાર કર્યા છે.

દીકરીઓએ અમારી ઇચ્છા પૂરી કરી તેનું અમને ગર્વ છે
મારે દીકરા નથી તેનો કોઈ રંજ નથી. મારી ત્રણ દીકરી જ મારા માટે સર્વસ્વ છે. મારી અને પત્નીની ઈચ્છા હતી કે દીકરીઓ ડોકટર બને. તેમના જન્મથી જ ઈચ્છા હતી. દીકરીઓને શિક્ષણ પણ તે પ્રમાણેનું જ આપ્યું. આજે ત્રણ દીકરી ડોક્ટર બનતા હું ગર્વ અનુભવું છું.- અયાઝ અહમદ ખરોડીયા, દીકરીના પિતા.

સૌથી વધુ કોરોના દર્દી ધરાવતા મુંબઈ પણ ફરજ બજાવી
કોરોનાની પહેલી લહેરમાં હું મુંબઈ મહાનગરપાલિકાની હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ફરજ પર હતી. જ્યાં કોરોના દર્દીઓ વચ્ચે રહી લોકોની સેવા કરી શકી તેનો આનંદ છે. અમારે વિદેશ નથી જવું. દેશમાં જ રહી આરોગ્ય ક્ષેત્રે સેવા કરવી છે. પૈસા મહત્વ ના નથી અમારા માટે સેવા જ મહત્વની છે .- ડૉ. ઝયનબ ખરોડીયા.

ખરોડીયા પરિવારની ત્રણ બહેનો ડોક્ટર બની
આ દીકરીઓએ પોતાના સમાજની અન્ય દીકરીઓ માટે નવો રાહ ચીંધ્યો ખરોડીયા પરિવારની ત્રણ બહેનો ડોક્ટર બની અલગ અલગ સ્થળે ફરજ નિભાવી રહી છે. કોરોનાકાળમાં પણ ખૂબ જ જોખમી રીતે ફરજ બજાવી ચૂકી છે. હાલમાં કોરોનાનો કહેર ઓછો થતાં રજા મેળવી પરિવાર સાથે ખરોડ ગામે સમય પસાર કરી રહી છે.

અન્ય દીકરીઓ માટે નવો માર્ગ ચીંધ્યો છે.
ત્યારે સુરતી સુન્ની વ્હોરા સમાજમાં એક જ પરિવારની ત્રણ બહેનોએ પોતાના માતા-પિતાના સપનાને સાકાર કરી સમાજની અન્ય દીકરીઓ માટે નવો માર્ગ ચીંધ્યો છે. વાતચીતમાં અન્ય દીકરીઓ પણ પોતાની ઈચ્છા પુરી કરી એક લક્ષ્ય નક્કી કરી તબીબી ક્ષેત્રે અથવા અન્ય ક્ષેત્રમાં આગળ વધે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.