મુસાફરોથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ; 12 બાળકો સહિત 45નાં મોત…….
બલ્ગેરિયા: દક્ષિણ-પૂર્વ યુરોપીયન દેશ બલ્ગેરિયામાં મંગળવારે એક બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 45 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં 12 બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 7 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, તેમને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એવામાં મૃતકોની સંખ્યા વધવાનું અનુમાન છે.
આંતરિક મંત્રાલયમાં અગ્નિ સુરક્ષા વિભાગના પ્રમુખ નિકોલાઈ નિકોલોવે કહ્યું કે આ દુર્ઘટના મંગળવારે 2 વાગ્યા આસપાસ બની. મૃતકોમાં મોટાભાગના લોકો ઉત્તર મેસેડોનિયાના રહેવાસી હતા. ઘટનાસ્થળે લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. બસમાં આગ કેમ લાગી, તેની તપાસ ચાલી રહી છે.
‘બસમાં સવાર મોટાભાગના લોકો ભડથું થઈ ગયા’
બલ્ગેરિયાના કાર્યકારી વડાપ્રધાન સ્ટીફન યાનેવે આને ખૂબ મોટી દુર્ઘટના ગણાવી. જ્યારે ગૃહમંત્રી બૉયકો રશ્કોવે કહ્યું કે બસમાં આગ એટલી ભયાનક હતી કે તેમાં સવાર મોટાભાગના લોકો સળગીને રાખ થઈ ગયા. તેમણે કહ્યું કે દુર્ઘટનાની તસવીરો ખૂબ જ ભયાનક છે. મેં અગાઉ ક્યારેય આવું જોયું નથી.
ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના સર્જાયાની આશંકા
બલ્ગેરિયન ઈન્વેસ્ટિગેટિવ સર્વિસના ચીફ બોરિસલાવ સરાફોવે કહ્યું કે ઉત્તર મેસેડોનિયાની ટ્રાવેલ એજન્સીની ચાર બસો સોમવારે મોડી રાત્રે તુર્કીથી બલ્ગેરિયામાં દાખલ થઈ. તેમણે કહ્યું કે ડ્રાઈવરની માનવીય ભૂલ કે ટેકનિકલ ખઆમીના કારણે આ દુર્ઘટના બની હશે. આ દુર્ઘટના સોફિયાના પશ્ચિમમાં લગભગ 45 કિમી દૂર સ્ટ્રોમા હાઈવે પર બની.