19 વર્ષિય યુવતી પર રિક્ષા ચાલકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યુ, ગર્ભવતી થયાની જાણ થતાં નર્મદા કેનાલમાં કુદી જીવન ટૂંકાવ્યું
નવસારીની માનસી દુષ્ક્રર્મ વીથ આપઘાતના બનાવમાં હજુ પોલીસ તંત્ર આરોપીઓને શોધવામાં અંધારામાં બાચકાં ભરી રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ગામની યુવતી ઉપર ત્રણ માસ પહેલાં થયેલા સામૂહિક બળાત્કારનો ભોગ બનતા ગર્ભવતી બનેલી યુવતીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઇ છે. નોંધનીય છે કે, ત્રણ માસ પૂર્વે બે હવસખોરોનો ભોગ બનેલી યુવતીએ મુંબઇમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતાં ડભોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
રિક્ષા ચાલકોએ બદકામ કરેલું
આ બનાવની વિગત એવી છે કે, ડભોઇ તાલુકાની 19 વર્ષિય સંગીતા (નામ બદલ્યું છે) નામની યુવતી મુંબઇમાં એક પરિવારમાં રહેતી હતી અને ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્રણ માસ પહેલાં તે ડભોઇ ઘરે આવી હતી. તે સમયે આ યુવતીને ઓટો રિક્ષામાં લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષા ચાલકો ડભોઇ તાલુકાના લિંગસ્થળી ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાં તેના ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. સમાજમાં આબરું ન જાય તે માટે યુવતીએ પોતાના ઉપર ગુજરાયેલા સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી ન હતી. પુનઃ મુંબઇમાં જે ઘરમાં રહીને ઘરનું કામ કરતી હતી તે ઘરે પરત જતી રહી હતી.
મુંબઈમાં ગર્ભવતી હોવાનું સામે આવ્યું
દરમિયાન મુંબઇમાં તેની તબિયત બગડતા મુંબઇનું પરિવાર સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયું હતું. હોસ્પિટલમાં તબીબી સારવાર દરમિયાન તબીબી પરિક્ષણમાં સંગીતા ગર્ભવતી હોવાનું અને તેના પેટમાં ત્રણ માસનો ગર્ભ (12 સપ્તાહ) હોવાનું બહાર આવ્યું હતું. સંગીતા અને મુંબઇનું પરિવાર તબીબી નિદાન સાંભળી ચોંકી ઉઠ્યા હતા. બાદમાં મુંબઇના પરિવારે સંગીતાને સ્થાનિક પોલીસ મથકમાં લઇ જઇ ફરિયાદ અપાવી હતી.
ડભોઈ પોલીસે ગુનો નોધ્યો
ગર્ભવતી બનેલી સંગીતાએ મુંબઇ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ માસ પહેલાં ડભોઇ વતનમાં ગઇ હતી. ત્યારે કામ માટે બહાર નીકળવાનું થયું હતું. તે સમયે ઓટો રિક્ષા ચાલક લિફ્ટ આપવાને બહાને લિંગસ્થળી ગામની સીમમાં લઇ ગયો હતો. જ્યાં રિક્ષા ચાલક અને તેના મિત્ર દુષ્કર્મ આચર્યું હતું. જે તે સમયે પોતાની અને પરિવારની આબરું ન જાય તે માટે ફરિયાદ કરી ન હતી. અને મુંબઇ મુંબઇ આવી ગઇ હતી. મુંબઇ પોલીસે સંગીતાના આધારે બે અજાણ્યા વ્યક્તિઓ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. અને આ ઘટના ડભોઇ પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી.
નર્મદા કેનાલમાં આપઘાત કર્યો
મુંબઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાયા બાદ સંગીતા ડભોઇ વતનમાં આવી ગઇ હતી. જોકે, ડભોઇ પોલીસ મુંબઇ પોલીસ મથકમાંથી ટ્રાન્સફર થયેલી ફરિયાદની તપાસ શરૂ કરે તે પહેલાં જ સંગીતાએ ડભોઇ તાલુકાના કુરાલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મુકી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. ડભોઇ પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે પોલીસે સંગીતાએ બે અજાણ્યા વ્યક્તિઓ સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસને આ અંગે કોઇ સગડ મળ્યા નથી.
12 સપ્તાહનો ગર્ભ હતો
ડભોઇ ડિવીઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મુંબઇ પોલીસ મથકમાં ડભોઇ તાલુકાના રિક્ષા ચાલક સહિત બે અજાણ્યા વ્યક્તિઓ સામે દુષ્કર્મની નોંધાવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી પોલીસને કોઇ ઠોસ માહિતી મળી નથી. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીના પેટમાં 12 સપ્તાહનો ગર્ભ હતો.ડભોઈની યુવતી પર લિફ્ટ આપવાના નામે દુષ્કર્મ આચરાયું, દુષ્કર્મ પીડિતાએ જીવન ટૂંકાવી લીધું, યુવતીના પેટમાં 12 સપ્તાહનો ગર્ભ પણ હતો