હિંમતનગરમાં 9 વર્ષિય બાળકીની ફાંસો ખાધેલી લાશ મળી, બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી લાશ પાડોશી વૃદ્ધાએ જોઇ હતી

હિંમતનગર : શુક્રવાર સાંજે હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે. જેને જીવનની વ્યાખ્યાની સમજજ નથી તેવુ બાળક ફાંસો લગાવી જીવન ટૂંકાવી દે તે બાબત અત્યંત ગંભીર અને ચિંતનનો વિષય બની ગઇ છે. પોલીસે એ.ડી. નોંધી હત્યા, આત્મહત્યા કે દુષ્પ્રેરણની દિશામાં તપાસ હાથ ધરી છે.

હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં હરસોલીયાના ડેલામાં જીતુપુરી હિંમતપુરી ગોસ્વામીના મકાનમાં ભાડેથી રહેતા પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ તા.10-12-21 ના રોજ સાંજે ઘરની જાળી ઉપર રૂમાલથી ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. સાંજે 7:49 કલાકે પડોશમાં રહેતી વૃદ્ધાએ 108માં જાણ કરી હતી. માત્ર 9 વર્ષીય બાળકીની આત્મહત્યાની થિયરી બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. નાનું બાળક આત્મહત્યાનું વિચારી પણ કેવી રીતે શકે તે બાબત યક્ષ પ્રશ્ન બની ગઇ છે.

+પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પડોશીઓએ જણાવ્યું કે પતિ – પત્ની વચ્ચે પ્રતિદિન ઝઘડા થતા હતા અને બાળકીની મારપીટ પણ થતી હતી મૃતદેહના તબીબી પરીક્ષણમાં બાળકીના ગળા પર ‘ નોટ ’ નું નિશાન મળ્યુ છે શરીર પર ઇજાના કોઇ નિશાન મળ્યા નથી.

મૃતકના માતા અને પિતા મજૂરી જાય છે
હિંમતનગરના બી ડિવિઝન પીએસઆઇ એ.વી. જોષીએ જણાવ્યું કે આ પરિવાર એકાદ મહિનાથી અમદાવાદ થી હિંમતનગર આવેલ છે. પતિ – પત્ની બંને મજૂરીએ જાય છે. ઘટનાના દિવસે સાંજે પતિ ઘેર આવ્યો હતો અને કંઇક લેવા બહાર ગયો હતો. તે દરમિયાન આ ઘટના બની હતી. પરિવારમાં બે બાળકો અને આ બાળકી હતી. પડોશીઓએ છ એક વાગ્યા સુધી બાળકીને રમતા જોઇ હતી અને પોણા આઠથી આઠ વાગ્યાની વચ્ચે પડોશમાં રહેતા માજીએ બાળકીને લટકતી જોતાં 108 ને જાણ કરી હતી. એફ.એસ.એલની મદદ પણ લેવાઇ છે અને માતા પિતાની પૂછપરછ ચાલુ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થઇ શકશે.

બાળકોને ગળામાં દોરડું ભરાવી ડોગી ડોગી રમતી
મૃતકના પિતાએ પૂછપરછમાં જણાવ્યુ કે નાના બાળકોને ગળામાં દોરડુ ભરાવી ડોગી ડોગી પણ અવારનવાર રમતી હતી.

ઘટનાના દિવસે બપોરે માતા મહેસાણા ગઇ હતી
બાળકી અને એક દિવ્યાંગ સહિત બે બાળકોને ઘેર મૂકી માતા બપોરે બારેક વાગ્યે મહેસાણા ગઇ હતી. બાળકીને મોબાઇલ ઓપરેટ કરતાં પણ આવડતું હતું. તેની પાસેથી મોબાઇલ લઇને માતા ગઇ હતી.

રેરેસ્ટ ઓફ રેર ….ક્યારેક રમત રમતમાં પણ ગળે ફાંસો લાગી જાય તેવું બની શકે: તબીબ
શહેરના સિ.સાઇકીયાટ્રીસ્ટ ર્ડા. નવીન મોદીએ જણાવ્યું કે બાળકની આત્મહત્યા રેર ઓફ ધી રેર કહી શકાય. બાળકમાં ચાઇલ્ડ હુડ ઓનસેટ બિમારી પણ હોઇ શકે છે. બાળકમાં ડ્રિપ્રેશનનું પ્રમાણ બહુ ઓછું હોય છે તેના કોઇ પરિચીતે હેગીંગથી જીવન ટૂંકાવ્યુ હોય અને તેના માનસ પટલ પર છબી અંકિત થઇ ગઇ હોય તેવું પણ બને. ક્યારેક રમત રમતમાં પણ ગળે ફાંસો લાગી જાય તેવુ બની શકે છે બાકી, બાળક આત્મહત્યા કરવાનું વિચારે તે રેરેસ્ટ ઓફ રેર છે.

error: Content is protected !!