4 મહિનાની ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાંખનાર ભાઈને કોર્ટે ફાંસીની સજા ફટકારી

4 મહિનાની ગર્ભવતી બહેન અને બનેવીને 17થી વધુ છરીના ઘા મારી રહેસી નાંખનાર ભાઈને કોર્ટે ફાંસીની સજા ફટકારી

વર્ષ 2018માં અમદાવાદના સાણંદ બનેલા ત્રિપલ મર્ડર કેસમાં આજે મિર્ઝાપુર કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. સાથે જ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે 17 સાક્ષી તેમજ 63 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપીને સજા ફટકારી છે. આ કેસના સાક્ષીને 50,000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી હાર્દિક ચાવડાએ તેની ગર્ભવતી બહેન તેમજ તેના બનેવીની હત્યા કરી હતી. બહેને પ્રેમ લગ્ન કર્યા હતા જે આરોપીને પસંદ ન આવતા હત્યા કરી હતી. ત્યારે આજે મિર્ઝાપુંર કોર્ટના જજ જે.એ.ઠક્કરે બહેન-બનેવી અને તેના ગર્ભમાં રહેલા શિશુની હત્યાના કેસમાં આરોપી હાર્દિકને ફાંસીની સજા ફટકારી છે.

બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા માર્યા હતા
વર્ષ 2018 સાણંદમાં ત્રિપલ હત્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપી ભાઈએ બહેન અને બનેવી તથા બહેનના પેટમાં રહેલ ગર્ભને પણ છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે બાદ મિર્ઝાપુર કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને સબૂતો અને સાક્ષીઓને ધ્યાને રાખી આ કૃત્ય બદલ આકરી સજા કરી છે. કોર્ટે આ મામલે 17 સાક્ષી, 63 દસ્તાવેજી પુરાવાને આધાર રાખીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.

સરકારી વકીલની મિડીયા સાથે વાતચીત
આ બાબતે મિડીયા સાથે વાત કરતાં મિર્ઝાપુર કોર્ટના સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદીએ જણાવું કે, મિર્ઝાપુર કોર્ટ દ્વારા ત્રીજીવાર આ પ્રકારે કોઈ આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. જ્યારે પહેલીવાર આ પ્રકારના ઓનર કિલિંગના કિસ્સામાં મિરઝાપુર કોર્ટમાંથી ફાંસીની સજા થઈ છે.

શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 2018માં હત્યાના 6 મહિના પહેલા આરોપીની બહેન ઘરેથી ભાગી ગઈ હતી અને 5 માર્ચના રોજ વિશાલ સાથે લગ્ન કરી લીધા હતા. આરોપી હાર્દિકે આ લગ્નનો વિરોધ કર્યો હતો અને ગુસ્સે ભરાયેલો હતો. લગ્ન બાદ દંપતી અલગ-અલગ સ્થળો પર ભાગતા હતા. જોકે છેલ્લે તેઓ સાણંદમાં આવીને રહેવા લાગ્યા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન આરોપીને જાણ થઈ કે તેના બહેન-બનેવી સાણંદમાં રહે છે. જેથી તે ગુસ્સામાં તેના ઘરે પહોંચ્યો હતો અને બંને પર ઘાતકી હુમલો કર્યો હતો. આરોપીને બહેન ગર્ભવતી હતી. પરંતુ આરોપીએ છરીના સતત ઘા મારતા દંપતિની સાથે મહિલાના ગર્ભમાં રહેલા શિશુનું પણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ પોલીસે દંપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી કોર્ટમાં હાજર કરાયો હતો.

બહેનને 7 અને બનેવીને 17 ઘા માર્યા હતા
આરોપીએ બહેનને 7 ઘા અને બનેવીને 17 ઘા માર્યા હતા. હત્યા થઈ તે સમયે તેની બહેનના ગર્ભને 4 મહિનાનો સમય થયો હતો. જેથી આ કમકમાટી ભર્યા કિસ્સામાં કોર્ટે કડક સજા ફટકારી છે. સાથે જ મૃતક વિશાલના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર આપવાનો કોર્ટે કર્યો આદેશ. સાથે જ એક મહત્વપૂર્ણ સાક્ષી કે જે આ કેસમાં પીડિત તરીકે ગણી 50 હજારનું વળતર આપવાનો હુકમ કોર્ટે કર્યો છે.ગુજરાતમાં સાણંદ ત્રિપલ મર્ડરમાં આરોપીને ફાંસીની સજા ફટકારતી મિર્ઝાપુર કોર્ટ, ફાંસીની સજા બાદ પણ આરોપી હસતા મોઢે કોર્ટ બહાર નીકળ્યો