કૂતરાની સેવા કરવા ગુજરાતની 3 પટેલ બહેનોએ લગ્ન ન કર્યાં, છેલ્લા 20 વર્ષથી રોજ 150 કૂતરાને ખવડાવે છે

શ્વાનના બર્થ ડે ઉજવતા તો તમે ઘણાં લોકોને જોયા હશે. શ્વાનને નિયમિત ભોજન કરાવનારા વૉલન્ટિયર અને સંસ્થાઓ પણ જોઈ હશે. પરંતુ, ક્યારેય એવો કિસ્સો જોયો છે કે, શ્વાનની સેવા માટે આજીવન અપરિણિત રહ્યા હોય! જી હા, નડિયાદની ત્રણ બહેનોએ શ્વાનોની સેવા કરવા માટે આજીવન અપરિણીત રહેવાનો નિર્ધાર કર્યો છે. નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી ત્રણ બહેનો નિયમિત શ્વાનની સેવા કરે છે અને દરરોજ એક ટાઇમ તેમને જમવાનું આપે છે અને શ્વાન સાજા-માંદા થાય તો તેમની સારવાર પણ કરાવે છે.

અત્યાર સુધી 1 હજારથી વધુ શ્વાનની સેવા કરી
આ વાત છે નડિયાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતા શિલ્પા પટેલ, ગોપી પટેલ અને નીપા પટેલની. આ ત્રણેય બહેનો નડિયાદ શહેરની 30 સોસાયટીના શ્વાનને દરરોજ એક સમયે ભોજન કરાવે છે. તેઓ રોજ સાંજે અંદાજે 150 જેટલા શ્વાનોને ભોજન કરાવે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ આ સેવા કરી રહ્યાં છે. તેમણે અત્યાર સુધી 1000થી પણ વધુ શ્વાનોની સેવા કરી છે. તેટલું જ નહીં, જો કોઈ શ્વાન બીમાર પડે છે તો તેની સારવાર કરાવવા માટે આણંદ વેટરનિટી હોસ્પિટલમાં પણ સ્વખર્ચે લઈ જાય છે અને તેની દવાનો પણ તમામ ખર્ચો જાતે જ ઉપાડે છે.

આ સેવા કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
ગોપી પટેલઃ સૌથી પહેલા અમે મમ્મીના પપ્પા એટલે કે, નાનાને આ સેવા કરતા જોયા હતા. અમે વેકેશનમાં તેમના ઘરે જતા, ત્યારે તેઓ શેરીના બધા શ્વાનને ખવડાવતા હતા. પછી ખેતરે જાય ત્યારે પણ શ્વાન માટે રોટલા લઈ જતા હતા. તેમને જોઈને મારા મમ્મીએ સેવા ચાલુ કરી અને હવે તેમનો વારસો સંભાળી રહ્યા છીએ. તેમને જોઈને જ અમને આ સેવાકાર્ય કરવાની પ્રેરણા મળી હતી.

કેવી-કેવી તકલીફોનો સામનો કરવો પડે છે?
શિલ્પા પટેલઃ કોરોનાકાળ સુધી તો અમને વાંધો ના આવ્યો, પરંતુ, કોરોનાકાળ પછી અમને પૂરતી સહાય મળતી નથી. અમે શ્વાન માટે ડેરી ફાર્મ ચાલુ કર્યું હતું, પરંતુ, તેમાં 50થી 70 લાખનું નુકસાન થયું. તેથી અમારે બંધ કરવું પડ્યું અને અમને ત્યાંથી મળતી સૌથી મોટી સહાય બંધ થઈ ગઈ. આ સિવાય જ્યાં જ્યાં અમે શ્વાનને ખાવાનું આપવા જઈએ, ત્યાં પણ લોકો અમને ધુત્કારે. તે છતાં અમે એ બધું સહન કરતા કરતા છેલ્લા 20 વર્ષથી આ સેવા ચાલુ રાખી છે અને છેલ્લા શ્વાસ સુધી અમે આ સેવા ચાલુ રાખવા માગીએ છીએ.

ગોપીબેન કહે છે કે, અત્યારે મોંઘવારી વધતી જાય છે. અમે શ્વાનોને પૂરતું ખવડાવી નથી શકતા. અમારો જીવ કચવાય છે, પરંતુ અમે કંઈ કરી શકીએ એમ નથી. અમારી ઇચ્છા તો બહુ થાય છે પણ સામે અફસોસ પણ થાય છે કે, અમારે તેમને થોડું-થોડું ખવડાવીને મન મનાવી લેવું પડે છે.

શ્વાન માટે લગ્ન ન કરવાનું કોઈ ખાસ કારણ ખરું?
ત્રણેય બહેનોઃ અમે છેલ્લા 20 વર્ષથી આ બધા જ શ્વાનની સેવા કરીએ છીએ. અમારે તેમની સાથે એક અનોખો સંબંધ બંધાઈ ગયો છે અને લગાવ થઈ ગયો છે. અમારા ઘરમાં જ અમે 8 શ્વાનને રાખ્યાં છે. અમે એમને ઘરના સદસ્ય જ માનીએ છીએ. જો અમે લગ્ન કર્યાં હોત અને કદાચ સામેવાળુ પાત્ર આ બધા શ્વાનને સાચવવા રાજી ન થાય તો અમને બહુ જ દુખ થાય. અમે અત્યાર સુધી બધા શ્વાનને સગ્ગા સંતાનોની જેમ રાખ્યાં છે, સાચવ્યાં છે. અમે તેમને છોડી નથી શકતા. અમારે તેમની સાથે અલગ જ ઋણાનુંબંધ છે. તેથી અમે લગ્ન નથી કર્યાં.

કોઈવાર એવી કોઈ ઘટના બની છે કે, જે મોમેન્ટ પર એવું થઈ જાય કે બસ હવે નહીં થાય?
શિલ્પા અને ગોપી પટેલઃ શ્વાન માટે અમે અમારા દાગીના-રૂપિયા બધું આપી દીધું. તેટલું જ નહીં, અમારું એક કરોડ રૂપિયાનું ઘર પણ બેંકમાં અમે ગીરવે મૂક્યું હતું. એક સમય તો એવો આવ્યો કે, અમે ઘરના હપ્તા સમયસર ભરી નહોતા શકતા. તો બેંકે ઘર હરાજી કરવા માટે કાઢ્યું હતું. અમને રાત્રે ખબર પડી કે, અમારા ઘરની હરાજીના પેમ્પલેટ વહેંચાઈ ગયા છે. બીડ મૂકાઈ ગઈ છે. અમે બધી રીતે હારી ગયા હતા. અમે બધું ગુમાવી દીધું હતું. પરંતુ ભગવાનને મનોમન પ્રાર્થના કરી હતી કે, જો અમે સાચા દિલથી આ પ્રાણીઓની સેવા કરી હોય તો તું સાચવી લેજે. પછી તો જે થયું એ બધું ચમત્કાર જ કહી શકાય. ખરેખર અમારું ઘર બચી ગયું. આ સમય એવો હતો કે હજુ જ્યારે પણ યાદ કરીએ ત્યારે રૂવાંટા ઊભા થઈ જાય છે.

શ્વાન સાજા-માંદા થાય તો શું કરો છો?
ગોપી-શિલ્પાબેનઃ અમે દરેક શ્વાનને અમારા દીકરાની જેમ સાચવ્યાં છે. જો તેમાંથી કોઈ સાજુ-માંદુ થાય તો અમારો જીવ બળે. એટલે અમે એમને સારવાર માટે સ્વખર્ચે આણંદની વેટરનિટી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. એક શ્વાન પાછળ એક વખતમાં અંદાજે 2000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. નડિયાદમાં કોઈ સુવિધા જ નથી. તેથી અમારે આણંદ લઈ જવા પડે છે. મારો ભાઈ આ કામ કરે છે. મારો આખો પરિવાર આ કામમાં અમને સપોર્ટ કરે છે. જેને લીધે રિક્ષા ભાડા અને દવા વગેરેનો ખર્ચો થાય છે અને એ ખર્ચો પણ અમે જ ઉપાડીએ છીએ. જો કદાચ કોઈ શ્વાન મૃત્યુ પામે છે તો તેને ખુલ્લા મેદાન અથવા અવાવરૂ જગ્યાએ કે જ્યાં કોઈને તકલીફ ના થાય તેવી જગ્યાએ લઈ જઈ ખાડો ખોદી દફનવિધિ કરીએ છીએ.

આજના યુવાનોને શું સંદેશ આપવા માગશો?
ત્રણેય બહેનોઃ મૂંગા પ્રાણીઓ-પશુઓ-પક્ષીઓ પ્રત્યે દયાભાવના રાખવી જોઈએ અને તેમને સાચવવા જોઈએ. તે પણ કુદરતનો એક ભાગ છે. તેઓ મૂંગા છે, બોલી નથી શકતા, આપણે તો માણસ છીએ. આપણે સમજી શકીએ છીએ, બોલી પણ શકીએ છીએ તો તેમને સાચવવા આપણી જવાબદારી છે. આ નાનું અમથું કામ સૌ કોઈ કરી શકે છે. જો દરેક વ્યક્તિ એક-એક મૂંગા પશુ કે પ્રાણીની જવાબદારી લઈ લે તો તમે વિચારી શકો છો કે કેટલો ચેન્જ આવી શકે

error: Content is protected !!