પૂરપાટ ઝડપે આવતી કારે મારી ટક્કર, 20 વર્ષીય કોલેજીયન યુવતીનું તડપી તડપીને મોત, પરિવારનું કરૂણ આક્રંદ

એક અકસ્માતનો કરૂણ બનાવ સામે આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકની નજીક વળાંક પાસે અચાનક કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને ટર્ન મારી એક્સેસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સેક્ટર-15 આઈઆઈટીમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત થતાં પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના કોબા શુભ પાયોનીયર મકાન નંબર-એ /502માં રહેતા ધનેશ રામાશ્રય રાયે સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ત્રણ ભાઈઓ પૈકી મોટા ભાઈ ધનંજય રાયનું એક વર્ષ અગાઉ અવસાન થયું હતું.

જેમના પરિવારમાં પત્ની સવિતાબેન અને બે દીકરીઓ અવંતી અને અદિતિ હતી. જેઓ ત્રણેય માં-દીકરી સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહે છે. જ્યારે 20 વર્ષીય અદિતિ ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી આઈઆઈટીમાં બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

ગઈકાલે શુક્રવારે બપોરના સમયે અદિતિ એક્સેસ લઈને ઘરેથી સેક્ટર-21માં જઈ રહી હતી. ત્યારે ચ-5થી છ-5 સર્કલ વચ્ચે સેક્ટર-21 પોલીસ મથકની નજીક કાર (નંબર GJ-01-RK-7694)ના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને અચાનક ટર્ન માર્યો હતો.

જેના કારણે એક્સેસને ટક્કર વાગવાથી અદિતિ રોડ ઉપર પટકાઈ હતી. જેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બનાવની જાણ થતાં ધનેશભાઈ પણ સિવિલ દોડી ગયા હતા. જ્યાં માલુમ પડ્યું હતું કે અદિતિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાઈ છે.

આથી ધનેશભાઈ અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમની ભત્રીજી અદિતિને સારવાર દરમિયાન ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે ધનેશભાઈની ફરિયાદના આધારે સેક્ટર-21 પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!