વડોદરામાં જોડિયા બાળકોને લઇને 18 વર્ષના પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને શોધી આપવા પતિએ કરી પોલીસ કમિશનરને અરજી 

વડોદરા : બે માસુમ બાળકો સાથે 18 વર્ષના પ્રેમી સાથે ભાગી જતા પતિએ પત્ની અને બાળકોને શોધી આપવા બાપોદ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતાં પોલીસ કમિશનરને અરજી કરી છે.છેલ્લાં 15 દિવસથી પરિવારજનો બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતામાં પલકની શોધખોળ કરી રહ્યાં છે

જોડિયા બાળકો સામે પરિણીતા ગુમ
વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી નારાયણધામ સોસાયટીમાં રહેતા પતિએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યા મુજબ 26 નવેમ્બરના રોજ 24 વર્ષિય પત્ની સાડા ત્રણ વર્ષની ઉંમરના જોડિયા બાળકો સાથે રહસ્યમય ગુમ થઇ હતી. પરિવારજનોની તપાસમાં 24 વર્ષિય પરિણીતા 18 વર્ષની ઉંમરના પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પતિ સહિતના પરિવારજનોએ બાપોદ પોલીસને જાણ કરી હતી.

પોલીસ શોધવામાં રસ દાખવતી હોવાના આક્ષેપ
28 નવેમ્બરના રોજ આ મામલે બાપોદ પોલીસના ચોપડે જાણવા જોગ નોંધમાં પરિણીતા તેના બે બાળકો સાથે ઘરેથી જતી રહી હોવાની વિગતો દર્શાવવામાં આવી હતી. પોલીસે પરિણીતા પ્રેમી સાથે ભાગી હોવાની વિગતો કોઈક કારણોસર ચોપડે ચડાવી નહોતી. જેને પગલે બાપોદ પોલીસ બે માસૂમ બાળકોને લઈને ભાગેલી પરિણીતાને શોધવામાં રસ દાખવતી ના હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પોલીસ કમિશનરને અરજી કરીને પત્ની અને બાળકો શોધી આપવા વિનંતી કરી છે.

યુવકના લગ્ન પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા
ન્યૂ વીઆઈપી રોડ પર ખોડીયારનગરની પાછળ આવેલી સોસાયટીમાં રહેતાં યુવકના લગ્ન પાંચ વર્ષ અગાઉ પલક(નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. પાંચ વર્ષના લગ્નજીવનમાં પલકે જોડિયા સંતાન દિકરા-દીકરીને જન્મ આપ્યો હતો. પલકે પોતાના કાંડા પર પતિ મહેશના નામનું ટેટુ પણ ચિતરાવ્યું હતું.

18 વર્ષના યુવક સાથે પરિણીતાને પ્રેમ થયો
અરજી આપનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ધો-12 પાસ 24 વર્ષિય પલકને તેનાથી નાની ઉંમરના અને ધો-10 નાપાસ સાથે પ્રેમ થયો હોવાની વાતો છેલ્લાં કેટલાક સમયથી અમારા ધ્યાનમાં આવી હતી. પલક એકલી હોય ત્યારે યુવક ઘરે પણ તેને મળવા આવતો હોવાની વાત જાણવા મળી હતી. જોકે, પલકે તેના પર ખોટા આક્ષેપ કરાય છે એવી ફરિયાદ સાસરીયાને કરી હતી.

4 તોલા સોનું લઇને ઘરેથી નીકળી
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, યુવકની કોઈ કમાણી નથી અને નથી કોઈ બેંક બેલેન્સ આ વિગતો તેના માતા-પિતા પાસેથી જ જાણવા મળી છે. જ્યારે બીજી તરફ પલક આશરે 4 તોલા દાગીના લઈને ઘરેથી નીકળી હતી. બંને જણા પહેલા માંડવી ગયા હતાં અને માંડવી ખાતે કોઈ જ્વેલર્સને દાગીના વેચીને દોઢ-બે લાખ રૂપિયા મેળવ્યા હોય તેવી આશંકા છે.

15 દિવસથી શોધખોળ કરે છે
છેલ્લાં 15 દિવસથી પરિવારજનો બે માસૂમ બાળકોની સુરક્ષાની ચિંતામાં પલકની શોધખોળ કરી રહ્યાં છે. પરંતુ, બાપોદ પોલીસ તરફથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ના હોવાને કારણે પરિવારજનોએ પોલીસ કમિશનરને અરજી કરવાની ફરજ પડી હતી.

error: Content is protected !!