અભણ ભેજાબાજ ખેડૂતની કમાલ, લોકોએ હજુ વાવણી પણ નથી કરી ત્યાં તો આ ખેડૂતે ઉત્પાદન પણ લઈ લીધું
ગુજરાતના ઘણી જગ્યાએ હજી વાવણી પણ બાકી છે અને અનેક જગ્યાએ મેઘો વરસ્યો પણ નથી અને આ બધાની વચ્ચે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક ખેડૂતે ઈતિહાસ રચ્યો છે. વૈજ્ઞાનિકોને પણ અચરચ પમાડે તેવો પ્રયોગ કરી અભણ ખેડૂતે કોઠાસૂઝનો નમૂનો બતાવ્યો છે. કપાસ વાવવાની સિઝનમાં ખેડૂત કપાસનું પહેલું ઉત્પાદન પણ મેળવી લીધું છે. એટલું જ નહીં ખેડૂતને પ્રથમ ફાલની વીણી પણ કરી લીધી છે. આ કપાસના મણના રૂપિયા 5101 ઉપજ્યા હતા. ખેડૂતે 15 મણ કપાસ આ ભાવે વેચ્યો હતો.
આવી કમાલ ઝાલાવડ પંથકના ખેડૂતે કરી દેખાડી છે. વગર સીઝને કપાસનું ઉત્પાદન મેળવનાર ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોર કહે છે કે તેઓએ કંઈક નવું કરી બતાવવાના ઉદેશ્યથી 22 ફેબ્રુઆરી 2022ના રોજ પાંચ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.
અન્ય ખેડૂતો અત્યારે વાવણી કરી રહ્યા છે ત્યારે અભણ ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરે કૃષિ વૈજ્ઞાનિકો માથું ખંજવાળતા રહી જાય તેવી કમાલ કરી નવઘણભાઈએ વાડીએ કપાસનો પહેલો ઉતારો પણ ઉતરી લીધો છે. તેમણે પ્રથમ વિણીમાં ઉતરેલ 11 મણ જેટલો કપાસ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 5101ના ભાવે વેચાણ કર્યો હતો.
આજે સીઝન વગરનો આ કપાસ નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરના ખભ્ભા સુધી ઉંચો થઇ ગયો છે અને લૂમે ઝૂમે જીંડવા બેઠા છે જે પૈકી પ્રથમ વીણીમાં નવઘણભાઈને 11 મણ કપાસ ઉતરતા ધ્રાંગધ્રા યાર્ડમાં પ્રથમ મુહૂર્તનો સોદો 5101ના ભાવે કર્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું છે કે નવઘણભાઇ અભણ હોવા છતાં પોતાની કોઠાસૂઝથી આ અવનવો પ્રયોગ કરી સારું પરિણામ મેળવ્યું છે.
દેશમાં પ્રથમ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક આવતા વેપારી શ્રીરામ ટ્રેડીંગવાળા જયેશભાઈ પટેલ દ્વારા કપાસની એક મણના રૂ. 5101ના ભાવે મુહૂર્તના 15 મણના કપાસની ખરીદી કરવામાં આવી હતી. આ સિદ્ધિ બદલવ ચારેબાજુ નવઘણભાઈના વખાણ થઈ રહ્યા છે. તેમનું આગેવાનો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાતના ખેડૂતે રચ્યો ઈતિહાસ, જૂનમાં સફેદ સોનુ ઉતાર્યું, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળતા રહી ગયા, રૂપિયા 5101ના ભાવે 15 મણ કપાસ વેચાયો,