પેટ્રોલ-ડીઝલ મોંઘુ થતાં સુરતમાં 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ, માઈલેજ, સબસિડી, વગેરે જાણો બધું જ
સુરતમાં ઈકાર એટલે કે, બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 20 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હિકલ પોલીસી જાહેર કરી છે. જેમાં બાઈક પર 20 હજાર, થ્રી વ્હિલર પર 50 હજાર અને ફોર વ્હિલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે. જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ વિના મૂલ્યે કરવાની જાહેરાત કરી છે. જેને લઈને લોકોમાં ઈલેક્ટ્રિક વાહનો પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. ઈલેક્ટ્રિક પોલીસી જાહેર કર્યાના 10 દિવસમાં જ સુરતમાં 100 ઈલેક્ટ્રિક કારનું બુકિંગ થઈ ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક કારમાં 2 મહિનાનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
શહેરમાં ત્રણ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો બન્યા
સુરતાં જે કાર મળી રહી છે તેને ઘરે ચાર્જ કરવામાં આવે તો 6થી 8 કલાક સુધીમાં બેટરી ફુલ ચાર્જ થાય છે. પરંતુ શહેરમાં અલગ અલગ જગ્યાએ 3 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બન્યા છે. જેમાં કાર ફુલ ચાર્જ કરતાં 1 કલાકનો સમય થાય છે.
50 ટકા ઇલેક્ટ્રિક કારની ડિલિવરી અષાઢી બીજ રથયાત્રાના દિવસે થશે
બે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ દ્વારા સુરતમાં ઈ કારના અલગ-અલગ મોડલ લોંચ કરવામાં આવ્યા છે. બંને કંપનીઓ મળીને અંદાજે 100થી વધારે કારનું બુકિંગ થઈ ગયું છે. પરંતુ તેમાંથી એક સાથે 50 જેટલી કારની ડિલિવરી અષાઢી બીજના દિવસે આવશે.
ઇલેક્ટ્રિક કાર માટે ખૂબ ઇન્કવાયરી આવી રહી છે
એક કાર ડિલરના સાઉથ ગુજરાત સેલ્સ મેનેજર રાહુલ ત્રિપાઠી કહે છે કે, ‘હવે ઈલેક્ટ્રિક કારને જોવાનો લોકોનો નજરિયો બદલાઈ ગયો છે. હવે ફ્યુચર બેટરીવાળી કારનું છે જેને લઈને લોકો બેટરી વાળી કાર તરફ વળ્યા છે. લોકોમાં ગઝબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી છે. જેને કારણે લોકોેને ફાયદો થતો હોવાથી લોકો ઈ-કારના ઉપયોગ તરફ વળી રહ્યા છે.